અનિંદ્રા રોગ નહીં પણ માનસિક અને શારીરિક રોગનું એક લક્ષણ છે

આયુર્વેદના આચાર્યોએ ઊંઘને ભૂતધાત્રી કહી છે એટલે પ્રાણીઓની શરીરને પોષણ આપતી માતા સમાન ગણાવી છે. જેમ શરીર ટંકાવી રાખવા માટે ખોરાકની જરુર છે તેટલી જરુરીયાત…

આયુર્વેદના આચાર્યોએ ઊંઘને ભૂતધાત્રી કહી છે એટલે પ્રાણીઓની શરીરને પોષણ આપતી માતા સમાન ગણાવી છે. જેમ શરીર ટંકાવી રાખવા માટે ખોરાકની જરુર છે તેટલી જરુરીયાત ઊંઘની પણ છે. મને ઊંઘ નથી આવતી 60 વર્ષનાં સાધનાબેન ફરિયાદ કરે છે. મને મોડે સુધી ઊંઘ નથી આવતી 30 વર્ષના કુણાલભાઇ ફરિયાદ કરે છે. મને વિચારો ખૂબ આવે છે, તેથી ઊંઘ નથી શકતી 40 વર્ષનાં રોહિણીબેન ફરિયાદ કરે છે. અનિદ્રાનો પ્રશ્ન દરેક ઘરમાં બહુ સામાન્ય બની ગયો છે. મોડે સુધી ટી.વી. સીરીયલો જોતાં સાધનાબેનને સાસુ-વહુનાં છળકપટ રાત્રે ઊંઘવા નહોતાં દેતાં. કૃણાલભાઇને એસિડીટી ઊંધવા નથી દેતી. રોહિણીબેનને મેનોપોઝનો કારણે હોર્મોન્સ બદલાવાથી, આયુર્વેદ મતાનુસાર વાયુની અનિયમિત ગતિને કારણે ઊંઘ નથી આવતી.આધુનિક જીવનમાં અનિદ્રાની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે.

આજકાલ ફોન આપણા જીવનનો અંતરંગ ભાગ બની ગયો છે. એક સમય હતો જ્યારે લોકો ઈશ્વરને પ્રાર્થના કરીને સૂતા. આજે ફોન પર સોશ્યલ મીડિયાના મેસેજ વાંચીને સૂએ છે. રાત્રે જ મોટા ભાગે લોકો ફ્રી થાય છે અને એટલે જ રાત્રે ફોન પર બધા જોડે ચિટચેટ કરીને સૂઈ જવાનું વિચારે છે, જે ખૂબ જ ખોટી આદત છે.

મોબાઇલની સ્ક્રીનની લાઇટ એ મગજને ખોટો સંકેત આપે છે, જેને લીધે ઊંઘ માટે અત્યંત જરૂૂરી તત્વ મેલેટોનિન આપણા શરીરમાં બનતું જ નથી. મેલેટોનિન ન બને તો પણ વ્યક્તિ ઊંઘી તો શકે, પરંતુ સમયસર ઊંઘ ન આવે. એટલે જ જે લોકો ફોન પર લાગેલા હોય તે કહે છે કે અમને અડધી રાત સુધી ઊંઘ જ આવતી નથી, ઊંઘ ઊડી જાય છે. ઘણા તો રાત્રે ઊંઘ ઊડે તો ત્યારે સમય ચેક કરવાના બહાને મોબાઇલ ઉઠાવે છે અને આવેલા મેસેજ ચેક કરવા લાગી જાય છે. પછી ફરિયાદ કરે છે કે અરે, અડધી રાત્રે એકદમ ઊંઘ ઊડી જ ગઈ.
દરેક વ્યક્તિની ઉંઘની આવશ્યકતા અલગ-અલગ હોય છે. ઉંઘનો આધાર ઉંમર પર નિર્ભર હોય છે. મોટા ભાગે વયસ્ક લોકોને 7થી 8 કલાક ઉંઘ જોઈએ. જેમ ઓછી ઉંઘ તંદુરસ્તિને નુકસાનકર્તા છે તેમ વધુ પડતી ઉંઘ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

અનિદ્રાને કારણે માથાનો દુખાવો, ચક્કર આવવા, યાદ ના રહેવું, બગાસા આવવા, કંટળો આવવો, ચીઢીયાપણું, આંખ નીચે કુંડાળા થઈ જવા, ઉદાસીનતા અને અકાળે વૃદ્ધત્વનાં લક્ષણો દેખાવા માંડે છે. અનિદ્રાનાં રોગીને પૂરતી ઉંઘ ના મળવાથી આખા શરીરને તેમાંય ખાસ કરીને મગજ અને જ્ઞાનતંતુને ઉર્જા મળતી નથી પરિણામે તેમને હમેશા થાક લાગ્યા કરે છે અને સુસ્તી રહ્યા કરે છે અને ઉત્સાહનો અભાવ રહે છે.

અનિદ્રાના પ્રકાર :
– ટ્રાન્ઝીઅન્ટ ઇન્સોમેનિયા : જીવનશૈલી બદલાવવાથી, ઊંઘવાનું સ્થાન બદલાવવાથી અથવા તો ટાઇમ ઝોનમાં તફાવતને કારણે વિદેશ પ્રવાસીઓમાં જોવા મળતી ટૂંકા ગાળાની અનિદ્રા.

-ક્રોનિક ઇન્સોમેનિયા : ક્યારેક કામનો બાજો, ચિંતા કે ભયને કારણે રહેતી ટૂંકા ગાળાની અનિદ્રા લાંબા સમય સુધી રહેવાથી ક્રોનિક (જીર્ણ) ઇન્સોમનિયામાં પરિવર્તીત થઈ જાય છે. ટૂંકા ગાળાની અનિદ્રા પ્રત્યે અવગણના કરવાથી આવી લાંબા ગાળાની અનિદ્રાની સમસ્યા થઈ શકે છે.

– સ્લીપ ઑનસેટ ઈન્સોમેનિયા : જેમાં ખૂબ મોડી રાત પછી ઊંઘ આવે. વ્યક્તિ જ્યારે ચિંતાગ્રસ્ત, ભયગ્રસ્ત કે વિચારશીલ રહેતી હોય. મોડી રાત સુધી ટી.વી. જોવાવાળી વ્યક્તિઓ કે કોમ્પ્યુટર સાથે કામ કરવાવાળી વ્યક્તિઓ, પરિક્ષાને કારણે મોડી રાત સુધી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કે નાઈટ શિફટમાં કામ કરતી વ્યક્તિઓની નેચરલ બોડી કલોક ખોરવાઈ જતાં અનિદ્રાનો ભોગ બને છે.

– સ્લીપ મેઈનટેનન્સ ઈન્સોમેનિયા : ડિપ્રેશનમાં રહેતી વ્યક્તિઓ એક વખત ઊંઘમાંથી ઝબકીને જાગી ગયા પછી ઊંઘી શકતા નથી. વૃદ્ધ વ્યક્તિઓમાં પણ આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળે છે.

– સ્લીપ સ્ટેટ મિસપર્સેપ્શન ઈન્સોમેનિયા : દિવસ દરમ્યાનના કામકાજ પછી થાક લાગવા છતાં ચિંતા અને વિચારોને કારણે વ્યક્તિ ઊંઘી શકતી નથી. ખાસ કરીને પોતાને ઊંઘ નથી આવતી એ ચિંતામાં વ્યક્તિ ઊંઘી શકતી નથી.

અનિદ્રા રોગ નહિ પણ રોગનું એક લક્ષણ છે. તેનાં અનેક કારણો હોઈ શકે. વર્ષ દરમ્યાન વસ્તીના લગભગ 40% લોકો અનિદ્રાથી પીડાય છે અને તેની સારવાર લે છે. અનિદ્રાના લગભગ અડધા કિસ્સાઓમાં માનસિક પરિબળો ભાગ ભજવે છે. આ પરિબળોમાં ચિંતા, માનસિક તનાવ, ઊંઘવાનો અકારણ ભય (phobia), ડિપ્રેશન વગેરેનો સમાવેશ થાય છે. ઊંઘવાની સામાન્ય પરિસ્થિતિમાં ફેરફાર, કામના સમયમાં વારંવાર થતો ફેરફાર, લાંબા અંતરની મુસાફરી પણ અનિદ્રાના કારણ રૂૂપે હોઈ શકે. પીડાજનક શારીરિક બીમારીમાં અનિદ્રા સામાન્ય તકલીફ હોય છે. કોફી, આલ્કોહોલ, ગર્ભનિરોધક ગોળીઓ, કેટલીક દવાઓ અને અંત:સ્રાવો (hormones)ની દવા લેવાથી પણ અનિદ્રા થાય છે. કેટલીક નશાકારક દવાઓ અને પદાર્થો લાંબો સમય લીધા પછી અચાનક લેવાનાં બંધ કરવામાં આવે ત્યારે પણ અનિદ્રાની તકલીફ થાય છે.

જો તમે રાત્રે પૂરતી ઊંઘ નથી લઇ રહ્યા તો આ તમારા હોર્મોન્સને તો અસર કરશે જ, તમારા બ્રેઇન ફંક્સનને પણ ડિસ્ટર્બ કરશે. આટલું જ નહીં, સારી ઊંઘના અભાવમાં તમારું વજન પણ વધી શકે છે અને શરીરની ઈમ્યૂનિટી પણ અસરકર્તા થઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લાઇફ સ્ટાઇલમાં આવતા ફેરફારના કારણે લોકોમાં રાત્રે ઊંઘ ન આવવાની ફરિયાદ ઝડપથી વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *