શહેરના કોઠારીયા રોડ પર આવેલા રામનગરમાં રહેતાં પરિવારની એકની એક માસુમ પુત્રીનું કેન્સરની બિમારીથી મોત નિપજતાં પટેલ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર રામનગર શેરી નં.3માં રહેતાં પિયુષભાઈ જેતપરીયાની સવા બે વર્ષની પુત્રી પ્રિન્સી છેલ્લા એક વર્ષથી કેન્સરની બિમારીમાં સપડાતાં અમદાવાદ અને રાજકોટમાં તેની સારવાર ચાલુ હતી.
દરમિયાન આજે સવારે બાળકી ઘરે હતી ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પિયુષભાઈ ડ્રાઈવીંગ કામ કરે છે અને તેને સંતાનમાં પ્રિન્સી એક જ પુત્રી હતી. આ બનાવથી એકની એક પુત્રીના મોતથી પટેલ પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો છે.
