મિત્રની પત્નીએ એસીડ પી લેતાં હોસ્પિટલમાંથી બાળકોને ફેરવવા નીકળ્યો, પોલીસે પીછો કરતાં ભાગીને ફરી હોસ્પિટલમાં આવતાં રિક્ષા ફૂટપાથ સાથે અથડાઈ ગઈ
શહેરમાં નવા 150 ફુટ રીંગ રોડ પર અટલ સરોવર પાસે રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું. પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે તેનાં બે વર્ષ અને ત્રણ વર્ષના બે પુત્રો રડતાં હતાં તે દરમિયાન પરિણીતાના પતિનો મિત્ર રીક્ષા લઈ બન્ને બાળકોને બહાર ફેરવવા નીકળ્યો હતો ત્યારે પોલીસની ગાડી પાછળ આવતાં પોલીસની બીકે ભાગેલા રીક્ષા ચાલકે સિવિલ હોસ્પિટલનાં કંપાઉન્ડમાં ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષા ફુટપાથ સાથે અથડાઈ પલ્ટી મારી ગઈ હતી જે અકસ્માતમાં ત્રણ વર્ષના માસુમનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બાળકને ઈજા પહોંચી હતી. બાળકના મોતથી પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અલટ સરોવર નજીક આવેલા પરશુરામ મંદિર પાસે રહેતાં વીર ઉર્ફે કોકોે રાધેભાઈ પરમાર (ઉ.3) અને ઈસાન ઉર્ફે હુતી રાધેભાઈ પરમાર (ઉ.2) રાત્રીનાં સાડા બારેક વાગ્યાના અરસામાં સાગર ધોળકીયાની રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતાં ત્યારે સિવિલ હોસ્પિટલના ગેઈટ અંદર રીક્ષા પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા હતાં. રીક્ષા સવાર બન્ને માસુમને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલનાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા વીર ઉર્ફે કોકો પરમાર નામના ત્રણ વર્ષના માસુમ બાળકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ માસુમ બાળકે હોસ્પિટલનાં બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક વીર ઉર્ફે કોકો પરમારની માતા માલાબેન રાધેભાઈ પરમાર (ઉ.30) એ ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું. માલાબેન પરમારને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં માલાબેનના પતિ રાધેભાઈ પરમાર સાથે તેના પુત્ર વીર ઉર્ફે કોકો પરમાર અને ઈશાન ઉર્ફે હુતી પરમાર હોસ્પિટલે આવ્યા હતાં તે દરમિયાન બન્ને બાળકો રડતાં હતાં. જેથી બન્ને બાળકોને છાના રાખવા માટે રાધે પરમારનો મિત્ર સાગર પ્રવિણભાઈ ધોળકીયા રીક્ષામાં બન્ને બાળકોને બેસાડી ચા લેવા અને ફેરવવા માટે બહાર નીકળ્યો હતો. તે દરમિયાન પોલીસે પીછો કર્યો હતો. પોલીસની ગાડી જોઈને સાગર ધોળકીયાએ પોલીસથી બચવા પોતાની રીક્ષા પુરપાટ ઝડપે હંકારી ભાગ્યો હતો. સાગર ધોળકીયા સિવિલ હોસ્પિટલનાં ગેઈટ અંદર પહોંચતાં જ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષા ફુટપાથ સાથે અથડાઈ પલ્ટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં વીર ઉર્ફે કોકોનું મોત નિપજ્યું હોવાનું અને તેના નાના ભાઈને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી રીક્ષા ચાલક પોલીસને જોઈને શા માટે ભાગ્યો ? કે પછી પોલીસે રીક્ષા ચાલકનું કયા કારણોસર પીછો કરતાં જીવલેણ અકસ્માતની ઘટના ઘટી તે જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.
