ભારતીય ટીમે બીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને પાંચ મેચની સિરીઝમાં સતત બીજી જીત નોંધાવી છે. ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે 181 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. એક સમયે ભારતે માત્ર 112 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે, ક્રિઝ પર આવેલા તિલક વર્મા અને નીતીશ કુમાર રેડ્ડીની જોડીએ મેચનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું.
જ્યારે અન્ય બેટરો કિવી બોલરો સામે શોટ્સ ફટકારવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને મેચ સંપૂર્ણપણે ન્યૂઝીલેન્ડની પકડમાં સરકી રહી હતી, ત્યારે તિલક વર્મા અને નીતીશ કુમાર રેડ્ડીએ વળતો પ્રહાર શરૂ કર્યો. બંને બેટરોએ કોઈપણ દબાણ વગર માત્ર 30 બોલમાં 59 રનની અત્યંત આક્રમક અને અણનમ ભાગીદારી કરીને કિવી બોલરોના લાઇન-લેન્થ વેરવિખેર કરી નાખ્યા.
તિલક વર્માએ માત્ર 26 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જ્યારે નીતિશ રેડ્ડીએ માત્ર 13 બોલમાં 26 રન ફટકારીને જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની T20 સિરીઝમાં 2-0ની મજબૂત સરસાઈ મેળવી લીધી છે.
આ અગાઉ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે ભારતીય બોલરોના શરૂઆતના આંચકાઓ બાદ શાનદાર વાપસી કરી હતી. શરૂઆતમાં ભારતીય ઝડપી બોલરોએ વિકેટો ઝડપી કિવી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. પરંતુ ત્યારબાદ ગ્લેન ફિલિપ્સ અને બેવન જેકબ્સ વચ્ચે બનેલી મોટી ભાગીદારીએ યજમાન ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.
