કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આરોપ લગાવ્યો છે કે તેમની અને કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશન (જે બંને કોંગ્રેસના નેતા છે) પર ’સ્ટિંગ ઓપરેશન’ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અથવા તેના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના સાથી પક્ષોના મુખ્યમંત્રીઓ પર આવો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે પુર્વ મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ પણ તેમની સામેના આવા સ્ટિંગ ઓપરેશનની તપાસ માગી છે.
શિવકુમારે દાવો કર્યો કે તેમને મળવા આવેલા એક ઉદ્યોગપતિએ ’મેટા સ્માર્ટ ગ્લાસ’ પહેર્યા હતા, જેના કારણે તેમને શંકા ગઈ કે કદાચ તેમની વાતચીત રેકોર્ડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, આ કોંગ્રેસ અને વિરોધ પક્ષો એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે કે આ રેકોર્ડિંગ્સ પાછળ કોણ હતું અને તેનો રાજકીય હેતુ શું હતો.આ કથિત ઘટના વિશે વાત કરતા શિવકુમારે જણાવ્યું કે, એક ઉદ્યોગપતિએ અધિકારીઓ મારફતે મુલાકાતનો સમય (એપોઇન્ટમેન્ટ) લીધો હતો અને શરૂૂઆતમાં તેમની સાથે વ્યવસાયિક બાબતો પર ચર્ચા કરી હતી. જોકે, બાદમાં તે મુલાકાતીએ વાતચીતનો વિષય બદલીને રાજકારણ તરફ વાળ્યો અને બૂથ-સ્તરની રણનીતિઓ તથા રાજકીય ઘટનાક્રમો વિશે વાત કરવા લાગ્યો.
વાતચીતના બદલાયેલા સ્વરૂૂપ અને મુલાકાતીએ પહેરેલા ’મેટા સ્માર્ટ ગ્લાસ’ને કારણે શિવકુમારને શંકા ગઈ. શિવકુમારના જણાવ્યા અનુસાર, તેમને મળેલી માહિતી સૂચવે છે કે મુલાકાતીએ કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશન સાથેની મુલાકાત દરમિયાન તે જ ’મેટા’ ચશ્મા પહેર્યા હતા, પરંતુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એક કેન્દ્રીય મંત્રી સાથેની મુલાકાત વખતે તેમણે તે ચશ્મા પહેર્યા ન હતા. દરમિયાન, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાની સામેના સ્ટિંગ ઓપરેશનને વખોડી કાઢતા આક્ષેપોને રદિયો આપી કહ્યું છે કે તેમણે આ બાબતને લોકોના ધ્યાનમાં લાવવા માટે ફરિયાદ નોંધાવી છે. સિદ્ધારમૈયાએ જણાવ્યું કે તેઓ આઠ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા છે અને ભૂતકાળમાં તેમણે આવી ઘટનાઓ જોઈ નથી, પરંતુ તેમણે આક્ષેપ કર્યો કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સિદ્ધારમૈયાએ કહ્યું, “હું આઠ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યો છું. ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું ન હતું, પરંતુ હવે આવું થઈ રહ્યું છે. મેં ફરિયાદ નોંધાવી છે જેથી લોકોને ખબર પડે કે આ એક ખોટો કેસ છે.
પક્ષના લોકો જ સામેલ: યતીન્દ્રના આક્ષેપ પછી મહિલા નેતાને નોટિસ
કર્ણાટકમાં ’સ્ટિંગ ઓપરેશન’નો વિવાદ શુક્રવારે વધુ વકર્યો હતો. શહેરી વિકાસ મંત્રી ડો. યતીન્દ્રએ દાવો કર્યો છે કે તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ’બ્લેકમેલ’ કરવાના પ્રયાસોમાં કોંગ્રેસના જ સભ્યો સામેલ હતા. યતીન્દ્રના આ નિવેદન બાદ તરત જ, કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ બી. કે. હરિપ્રસાદે પક્ષની એક મહિલા નેતાને ’શો-કોઝ નોટિસ’ આપવાનો આદેશ આપ્યો. તેમના પર સિદ્ધારમૈયા વિરુદ્ધના ’સ્ટિંગ ઓપરેશન’માં સંડોવાયેલા હોવાનો આરોપ છે. ગયા મહિનાના અંતમાં, યુટ્યુબ પર બે વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા.
