જેવલિન થ્રોમાં નીરજ ચોપડાને સિલ્વર અને યશવીરને બ્રોન્ઝ મેડલ, 1500 મીટર દોડમાં તેજસ્વિન શંકરે જીત્યો બ્રોન્ઝ, CWGનો નવમો દિવસ ભારત માટે લકી સાબિત
કોમનવેલ્થ ગેમ્સ 2026નો નવમો દિવસ ભારત માટે લકી સાબીત થયો હતો. જુડોની રમતમાં ભારતના બે સ્ટાર ખેલાડી અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ મેડલ જીત્યા હતા તો જેવલિન થ્રોમાં નીરજ ચોપડાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત આજ રમતમાં યશવીરે બ્રોન્ઝ અને 1500 મીટર દોડમાં તેજસ્વિન શંકરે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ગ્લાસગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નો 9મો દિવસ ભારત માટે સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. જુડોની રમતમાં ભારતના બે સ્ટાર ખેલાડીઓ, અસ્મિતા ડે અને હર્ષ સિંહે શાનદાર પ્રદર્શન કરીને દેશને બે ગોલ્ડ મેડલ અપાવ્યા છે. મહિલાઓની 48 કિલોગ્રામ વજન શ્રેણીમાં અસ્મિતા ડેએ ફાઇનલમાં કેનેડાની હેઈડી ક્વાચને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
દક્ષિણ ત્રિપુરાના બેલોનિયાની વતની અસ્મિતાની સફર અત્યંત સંઘર્ષમય રહી છે. એક સાધારણ પરિવારમાં જન્મેલી અસ્મિતાના પિતા વ્યવસાયે સાયકલ મિકેનિક છે. આર્થિક ભીંસ વચ્ચે પણ તેણે હાર ન માની. શરૂૂઆતમાં એથ્લેટિક્સ (800 મીટર દોડ)માં ભાગ લેનારી અસ્મિતાને તેના કોચે જુડો રમવા પ્રેરિત કરી હતી. 2015માં ત્રિપુરા સ્પોર્ટ્સ સ્કૂલથી શરૂૂ થયેલી તેની સફર 2018માં ભોપાલના જઅઈં સેન્ટર સુધી પહોંચી. આજે તે એશિયન ઓપન અને કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતીને ભારતની ટોચની જુડોકા બની ગઈ છે.
બીજી તરફ, પુરુષોની 60 કિલોગ્રામ વજન શ્રેણીમાં હર્ષ સિંહે ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને પછાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે જ હર્ષ કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બની ગયો છે. હર્ષ ભારતીય જુડો સર્કિટમાં સતત શાનદાર પ્રદર્શન કરતો રહ્યો છે. ટોક્યો ગ્રાન્ડ સ્લેમ અને એશિયન ચેમ્પિયનશિપ જેવી વૈશ્વિક ઈવેન્ટ્સમાં રમી ચૂકેલા હર્ષે ગ્લાસગોમાં પોતાનો દબદબો સાબિત કરી દીધો છે.
ભારત માટે જુડોમાં ગોલ્ડ મેડલ જીતવો એ હંમેશાથી એક મોટો પડકાર રહ્યો છે. 31 જુલાઈ પહેલા, કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતે ક્યારેય જુડોમાં સુવર્ણ ચંદ્રક જીત્યો ન હતો. પરંતુ, અસ્મિતા ડેએ મહિલાઓની 48 કિગ્રા વજન શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરતા આ ભ્રમ તોડી નાખ્યો. ફાઇનલમાં પોતાના વિરોધીને માત આપીને તેણે માત્ર મેડલ જ નથી જીત્યો, પરંતુ આવનારી પેઢી માટે એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેની આ જીતે ભારતીય છાવણીમાં એક નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને જુડો રમતા હજારો યુવાનો માટે તે પ્રેરણાસ્રોત બની ગઈ છે.
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે સૌથી વધુ અપેક્ષા ધરાવતી સ્પર્ધાઓમાં પુરુષોની જેવલિન થ્રોનો સમાવેશ થતો હતો. નીરજ ચોપરા ફરી એકવાર ગોલ્ડ મેડલના સૌથી મોટા દાવેદાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા.
સ્પર્ધાની શરૂૂઆતમાં નીરજ ચોપરાએ સંયમપૂર્વક રમત શરૂૂ કરી હતી. પ્રથમ પ્રયાસ બાદ બીજા થ્રોમાં તેમણે 85.83 મીટર સુધી ભાલો ફેંકીને સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું. ગંભીર ઈજામાંથી વાપસી કર્યા બાદ આ તેમની સિઝનનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ પ્રયાસ હતો.
જોકે તેમની ખુશી લાંબા સમય સુધી ટકી નહોતી. એ જ રાઉન્ડમાં શ્રીલંકાના રૂૂમેશ થરંગા પથિરાગેએ 89.73 મીટરનો જબરદસ્ત થ્રો કરીને ટોચનું સ્થાન કબજે કર્યું. ત્યારબાદના ચારેય પ્રયાસોમાં નીરજ કે પથિરાગા પોતાનો રેકોર્ડ સુધારી શક્યા નહીં. અન્ય કોઈ ખેલાડી પણ તેમની નજીક પહોંચી શક્યો નહીં, જેના કારણે પથિરાગેએ ગોલ્ડ મેડલ જીત્યો અને નીરજને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
સ્પર્ધા દરમિયાન યશવીર સિંહ શરૂૂઆતમાં મેડલની રેસથી દૂર દેખાઈ રહ્યા હતા. પાંચમા રાઉન્ડ સુધી તેમનો શ્રેષ્ઠ પ્રયાસ 81.33 મીટર હતો અને તેઓ છઠ્ઠા સ્થાને હતા. જોકે અંતિમ પ્રયાસમાં તેમણે દબાણને તકમાં ફેરવી નાખ્યું. છેલ્લા થ્રોમાં યશવીરે 85.41 મીટરનો શાનદાર થ્રો કરીને સીધા ત્રીજા સ્થાને છલાંગ લગાવી. આ તેમની કારકિર્દીનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ પ્રયાસ હતો, જેના કારણે તેમને કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ જ વખત બ્રોન્ઝ મેડલ જીતવાનો ગૌરવ મળ્યો.
ભારતે ડેકાથલોન ઇવેન્ટમાં પણ પહેલી વાર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.આ ઇવેન્ટમાં ભારત વતી ભાગ લઈ રહેલા તેજસ્વિન શંકરે છેલ્લી ઇવેન્ટ,1500 મીટર દોડમાં કુલ 7976 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેજસ્વિન શંકર ડેકાથલોનમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.10 કઠિન ઇવેન્ટ્સ ધરાવતી આ ઇવેન્ટમાં, તેજસ્વિન શંકર પગમાં ઈજાને કારણે તેની નિયમિત ઇવેન્ટ હાઇ જમ્પમાં પણ ભાગ લઈ શક્યા ન હતા.
