દુબઇના નવા ‘બાદશાહ’ બન્યા ભારતીયો,એક વર્ષમાં 95000 કરોડની પ્રોપર્ટી ખરીદી

એનરોકની તાજેતરની રિપોર્ટ અનુસાર વર્ષ 2025 દરમિયાન ભારતીયોએ દુબઈના રહેણાંક પ્રોપર્ટી માર્કેટમાં અંદાજે ₹85,000 કરોડથી ₹95,000 કરોડ સુધીનું મોટું રોકાણ કર્યું છે. આ મોટા રોકાણ…

એનરોકની તાજેતરની રિપોર્ટ અનુસાર વર્ષ 2025 દરમિયાન ભારતીયોએ દુબઈના રહેણાંક પ્રોપર્ટી માર્કેટમાં અંદાજે ₹85,000 કરોડથી ₹95,000 કરોડ સુધીનું મોટું રોકાણ કર્યું છે. આ મોટા રોકાણ સાથે ભારતીયો હવે દુબઈમાં પ્રોપર્ટી ખરીદનાર સૌથી મોટા વિદેશી ખરીદદારો તરીકે ઉભરી આવ્યા છે. ભારતીય રોકાણકારો માટે વિદેશમાં પ્રોપર્ટી ખરીદવું હવે માત્ર રહેવા માટે નહીં પરંતુ સંપત્તિ વધારવા અને વેલ્થ મેનેજમેન્ટ માટેનું મહત્વનું સાધન બની ગયું છે.પાછલા વર્ષે દુબઈમાં રહેણાંક પ્રોપર્ટી ખરીદનાર વિદેશી નાગરિકોમાં ભારતીયો સૌથી આગળ રહ્યા હતા.

આ આંકડાઓ દર્શાવે છે કે ભારતના ધનિકો અને એનઆરઆઈ વચ્ચે વિદેશમાં ઘર ખરીદવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.વર્ષ 2025 દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટ માટે ઐતિહાસિક સાબિત થયું. સમગ્ર વર્ષ દરમિયાન ત્યાં લગભગ 250 અબજ ડોલર (અંદાજે ₹23 લાખ કરોડ) જેટલો રેકોર્ડ પ્રોપર્ટી વ્યવહાર નોંધાયો. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના કહેવા મુજબ આ ઝડપી વૃદ્ધિ પાછળ ભારતીય ખરીદદારોનું મોટું યોગદાન રહ્યું છે.

ભારતીયો માટે દુબઈ હવે માત્ર પ્રવાસ સ્થળ નહીં પરંતુ રોકાણ માટેનું મોટું કેન્દ્ર બની ગયું છે. તેના મુખ્ય કારણોમાં ઊંચી રેન્ટલ આવક મુખ્ય છે. ભારતમાં ઘર ભાડે આપવાથી સામાન્ય રીતે લગભગ 3% જેટલો રિટર્ન મળે છે, જ્યારે દુબઈમાં આ આંકડો લગભગ 9% સુધી પહોંચી શકે છે. તે ઉપરાંત દુબઈમાં વ્યક્તિગત આવક પર કોઈ ટેક્સ નથી, જે ધનિક રોકાણકારો માટે ખૂબ મોટું આકર્ષણ છે. સરકારની રોકાણકારોને અનુકૂળ નીતિઓ અને લાંબા સમય સુધી રહેવાની સુવિધાઓને કારણે પણ ભારતીયો માટે અહીં રોકાણ કરવું સરળ બન્યું છે.

2021 પછીથી દુબઈમાં પ્રોપર્ટીના ભાવોમાં 60% થી 75% સુધીનો વધારો થયો છે, જેના કારણે રોકાણકારોને મોટો નફો મળ્યો છે. વિશેષજ્ઞોના મત મુજબ દુબઈમાં ઘર ખરીદનાર મોટાભાગના ભારતીયો ત્યાં સ્થાયી થવા માટે નહીં પરંતુ ભાડા દ્વારા આવક મેળવવા અને પોતાના રોકાણ પોર્ટફોલિયોને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. વર્ષ 2025 દરમિયાન દુબઈમાં કુલ 2.7 લાખથી વધુ પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં ભારતીયોની ભાગીદારી સૌથી વધુ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *