અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે હવે અમેરિકાની પોલીસની કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાના પરિવારને ન્યાય મળ્યો છે. વર્ષ 2023માં બનેલી આ ઘટનામાં અમેરિકન સરકારે પરિવારને આશરે ₹262 કરોડ (3.1 કરોડ ડોલર)નું વળતર આપવાની ઓફર કરી છે.
મળતી વિગતો મુજબ ભારતની 23 વર્ષીય જાહ્નવી કંડુલા સીએટલની નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીમાં ઇન્ફોર્મેશન સિસ્ટમ્સમાં માસ્ટર્સ કરી રહી હતી. જાન્યુઆરી 2023માં જ્યારે તે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે ડ્રગ ઓવરડોઝના કોલ પર જઈ રહેલા પોલીસ ઓફિસર કેવિન ડેવે તેને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેનું મોત થયું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે ઓફિસર નિર્ધારિત સ્પીડ લિમિટ કરતા ત્રણ ગણી વધુ ઝડપે કાર ચલાવી રહ્યો હતો.
આ કેસ વધુ ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે અન્ય એક પોલીસ ઓફિસર ડેનિયલ ઓડરરની બોડી કેમેરા રેકોર્ડિંગ સામે આવી હતી. આ રેકોર્ડિંગમાં ઓફિસર હસતા હસતા જાહ્નવીના જીવનની કિંમતને ‘લિમિટેડ વેલ્યુ’ કહી રહ્યો હતો અને પ્રશાસનને ‘માત્ર એક ચેક લખી આપવા’ની સલાહ આપી રહ્યો હતો. આ ટિપ્પણીથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ભારતીય રાજદ્વારીઓએ કડક તપાસની માંગ કરી હતી.
કિંગ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં દાખલ કરાયેલા કરાર મુજબ, સીએટલ શહેર વહીવટીતંત્ર આ આર્થિક વળતર આપવા સંમત થયું છે. સિટી એટર્ની એરિકા ઇવાન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જાહ્નવી કંડુલાનું મૃત્યુ અત્યંત દુ:ખદ હતું. આશા છે કે આ નાણાકીય સમાધાન કંડુલા પરિવારને કંઈક અંશે રાહત આપશે.” તેના પરિવાર, મિત્રો અને આપણા સમુદાય માટે તેમનું જીવન મહત્વનું હતું.
