ભારતના જુનિયર હોકી ખેલાડીઓ એશિયા કપમાં ધૂમ મચાવી રહ્યા છે, ભારતની મહિલા ટીમ મંગળવારે ક્વોર્ટર ફાઇનલ જીતી ગઈ હતી અને પુરુષ ખેલાડીઓએ તો કમાલ જ કરી નાખી, તેમણે સાઉથ કોરિયાને 7-3થી હરાવ્યા બાદ બુધવારે તાઇપેઇની ટીમને 15-0થી કચડીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ, કોરિયાની ટીમ પણ સેમિમાં પહોંચી ગઈ છે, એણે જાપાનને 3-2થી હરાવ્યું હતું. જાપાન, ઇન્ડોનેશિયા અને તાઇપેઇની ટીમ સેમિ ફાઇનલની રેસની બહાર થઈ ગઈ છે.
ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને આ વખતે પણ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે. ભારત પાંચ વખત ચેમ્પિયન બન્યું છે અને આ વખતે ગ્રૂપ-એમાં 10 પોઇન્ટ સાથે મોખરે છે. છેલ્લાં બે દિવસમાં ભારતીય મેન્સ ટીમે કુલ બાવીસ ગોલ કર્યા. સામાન્ય રીતે હોકી મેચમાં 15-15 મિનિટના ચાર ક્વોર્ટર હોય છે અને એમાંના પ્રથમ ક્વોર્ટરમાં એક પણ ગોલ નહોતો થયો. જોકે પછીની 45 મિનિટમાં ભારતના ખેલાડીઓ તાઇપેઇ ની ટીમ પર તૂટી પડ્યા હતા. ભારતીય કેપ્ટન અને ડિફેન્ડર અનમોલ એક્કાએ પેનલ્ટી કોર્નર દ્વારા કુલ છ ગોલ કર્યા હતા. બીજા ગોલ કરનારાઓમાં આર્યન એક્સેસ, પ્રભદીપ સિંહ, ગુરસેવક સિંહ, અર્જુન સંતોષ હર્ગુડે, અજીત યાદવ અને હરપાલ સિંહનો સમાવેશ હતો.
