ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ભારત રવિવારે અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે 76 રનના મોટા માર્જિનથી હાર્યું અને સોમવારે વાનખેડેમાં વેસ્ટ ઇન્ડિઝે ઝિમ્બાબ્વેને 107 રનના વિક્રમજનક માર્જિનથી હરાવ્યું એટલે ક્રિકેટપ્રેમીઓમાં સવાલ થઈ રહ્યો છે કે ભારતને સેમિમાં જવાની હવે તક છે ખરી? વિવિધ વેબસાઇટો અને સમગ્ર મીડિયામાં આપવામાં આવેલા વિશ્ર્લેષણો પરથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પાસે પણ ક્રિકેટપ્રેમીઓ આ સવાલનો જવાબ માગી રહ્યા છે.
રવિવારની હારને પગલે ભારતનો નેટ રનરેટ -3.800 છે. ભારત પોતાના ગ્રૂપમાં ત્રીજા સ્થાને છે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ (+5.350) અને સાઉથ આફ્રિકા (+3.800)નો રનરેટ ભારત કરતાં ક્યાંય ચડિયાતો છે. બન્ને ટીમને રનરેટમાં પાછળ મૂકવાનું ભારત માટે અશક્ય છે. સુપર-એઇટમાં ભારત અને ઝિમ્બાબ્વે (-5.350) પોતપોતાની પ્રથમ મેચ હાર્યા છે, જ્યારે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ એક-એક મેચ જીત્યા છે. ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓએ હવે પ્રાર્થના કરવાની કે સાઉથ આફ્રિકા અથવા વેસ્ટ ઇન્ડિઝમાંથી કોઈ એક ટીમ પોતાની બાકીની બન્ને મેચ હારી જાય.
એવું થશે તો ટીમ ઇન્ડિયા આસાનીથી સેમિમાં જશે. વેસ્ટ ઇન્ડિઝે હવે સાઉથ આફ્રિકા સામે અને ભારત સામે રમવાનું છે, જ્યારે સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ ઉપરાંત ઝિમ્બાબ્વેનો સામનો કરવાનો છે. વેસ્ટ ઇન્ડિઝ જો ગુરુવારે અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે હારી જશે અને પછી રવિવારે ભારત પણ કેરિબિયનોને હરાવશે તો તેમના (કેરિબિયનોના) માત્ર બે પોઇન્ટ રહેશે. હા, વેસ્ટ ઇન્ડિઝ જો સાઉથ આફ્રિકા સામે જીતી જશે તો ભારતનો રાહ મુશ્કેલ થઈ જશે.
ભારત ગુરુવારે ચેન્નઈમાં ઝિમ્બાબ્વેને અને રવિવારે કોલકાતામાં કેરિબિયનોને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી શકશે. જોકે વેસ્ટ ઇન્ડિઝ જો સાઉથ આફ્રિકા સામે જીતશે, પણ ભારત સામે હારી જશે તો પણ ચાર પોઇન્ટ અને સારા રનરેટને આધારે કેરિબિયનો સેમિમાં પહોંચી શકશે. સાઉથ આફ્રિકા હવે ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝને અથવા રવિવારે દિલ્હીમાં ઝિમ્બાબ્વે સામે જીતશે તો પણ (બેમાંથી એક મેચ જીતીને પણ) ચાર પોઇન્ટ સાથે સેમિમાં જઈ શકશે. ખાસ કરીને ભારતે સારા રનરેટથી બન્ને મેચ જીતવી પડશે. એક ગણતરી મુજબ ભારતે ઝિમ્બાબ્વે સામેની ગુરુવારની મેચમાં લક્ષ્યાંક 10-12 ઓવરમાં ચેઝ કરવો પડશે અને ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે ભારતે 100 રનના માર્જિનથી મોટી જીત મેળવવી પડશે.
