પાંચ મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ, વરૂણ ચક્રવર્તી અને શિવમ દુબેએ ઝડપી 2-2 વિકેટ
ભારતીય ક્રિકેટ ટીમએ ગઇકાલે નાગપુરના મેદાનમાં રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને ધૂળ ચટાડીને શ્રેણીમાં શાનદાર પ્રારંભ કર્યો છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ’મેન ઇન બ્લુ’ ટીમે કિવી બોલરોની ધોલાઈ કરીને 48 રનથી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચોની સિરીઝમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. ખાસ વાત એ છે કે આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે T20 ઇતિહાસનો પોતાનો ’સૌથી વધુ સ્કોર’ નોંધાવ્યો છે.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું, જે તેમના માટે ખોટું સાબિત થયું. ભારતીય બેટ્સમેનોએ આક્રમક શરૂૂઆત કરી હતી. યુવા સ્ટાર અભિષેક શર્માએ મેદાનની ચારે તરફ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેણે માત્ર 35 બોલમાં 5 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા ફટકારીને 84 રન બનાવ્યા હતા. એક સમયે ભારત 8.4 ઓવરમાં 100 રન બનાવી ચૂક્યું હતું અને સ્કોર 250 ને પાર જશે તેમ લાગતું હતું. જોકે, અંતિમ ઓવરોમાં વિકેટો પડવાને કારણે ભારત 20 ઓવરમાં 7 વિકેટે 238 રન બનાવી શક્યું હતું. આ સ્કોર ન્યૂઝીલેન્ડ સામે ભારતનો અત્યાર સુધીનો સર્વોચ્ચ T20 સ્કોર છે.રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમની શરૂૂઆત અત્યંત ખરાબ રહી હતી. ઇનિંગના બીજા જ બોલ પર ઓપનર ડેવોન કોનવે (0) પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
ત્યારબાદ બીજી ઓવરમાં રચિન રવિન્દ્ર પણ માત્ર 1 રન બનાવીને આઉટ થતાં ન્યૂઝીલેન્ડ બેકફૂટ પર આવી ગયું હતું. જોકે, મિડલ ઓર્ડરમાં ગ્લેન ફિલિપ્સએ એકલા હાથે બાથ ભીડી હતી. તેણે 40 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 78 રનની આક્રમક ઇનિંગ રમી હતી, પરંતુ સામે છેડેથી સાથ ન મળતા તે ટીમને જીતાડી શક્યો નહીં. ભારત તરફથી સ્પિનર વરુણ ચક્રવર્તી અને ઓલરાઉન્ડર શિવમ દુબેએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. બંને બોલરોએ મહત્વપૂર્ણ 2-2 વિકેટો ઝડપી હતી. અંતે ન્યૂઝીલેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન જ બનાવી શકી હતી અને ભારતે 48 રને મેચ જીતી લીધી હતી.
35 બોલમાં 84 રન! સદી ચૂક્યો પણ અભિષેક શર્માએ સર્જ્યો ઇતિહાસ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ હંમેશા યાદગાર બની રહેશે. તેનું કારણ છે ટીમ ઈન્ડિયાના યુવા ડાબોડી બેટ્સમેન અભિષેક શર્મા નું રૌદ્ર સ્વરૂૂપ. અભિષેકે કિવી બોલરોની ધોલાઈ કરતા માત્ર 35 બોલમાં 84 રન ફટકાર્યા. ન્યૂઝીલેન્ડ સામે સૌથી ઝડપી અડધી સદી અભિષેક શર્માએ મેદાન પર આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી દીધી હતી. તેણે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. આ સાથે જ તે ન્યૂઝીલેન્ડ સામે T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. ખાસ વાત એ છે કે તેણે 40 રન તો માત્ર બાઉન્ડ્રીથી જ વસૂલ્યા હતા. 25 બોલથી ઓછી ફિફ્ટીમાં ’વર્લ્ડ રેકોર્ડ’ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 25 કે તેથી ઓછા બોલમાં અડધી સદી ફટકારવાના મામલે અભિષેક હવે દુનિયામાં નંબર વન બની ગયો છે.
તેણે આ પરાક્રમ 8 મી વખત કર્યું છે. અગાઉ આ રેકોર્ડ સંયુક્ત રીતે સૂર્યકુમાર યાદવ, ફિલ સોલ્ટ અને એવિન લુઈસના નામે હતો, જેમણે 7-7 વાર આ સિદ્ધિ મેળવી હતી. કિવીઓ સામે સૌથી વધુ છગ્ગા મારનાર એશિયન નાગપુરની ઇનિંગમાં અભિષેકે કુલ 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તે ન્યૂઝીલેન્ડ સામે એક T20 ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર પ્રથમ એશિયન ખેલાડી બની ગયો છે. આજ સુધી કોઈ એશિયન બેટ્સમેન કિવી ટીમ સામે આટલા આક્રમક અંદાજમાં રમ્યો નથી. 5000 રન અને સૌથી ખતરનાક સ્ટ્રાઈક રેટ અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં પોતાના 5,000 રન પણ પૂરા કર્યા છે. દુનિયાના 130 થી વધુ બેટ્સમેનોએ આ આંકડો પાર કર્યો છે, પરંતુ અભિષેક તે બધામાં સૌથી ખાસ છે. કારણ કે આ મુકામ સુધી પહોંચનારાઓમાં અભિષેકનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ 172.54 છે, જે તેને દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન સાબિત કરે છે. ગુરુ યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો અભિષેક શર્માએ પોતાના મેન્ટર યુવરાજ સિંહને પણ પાછળ છોડી દીધા છે. ભારત તરફથી 200+ ના સ્ટ્રાઈક રેટ સાથે અડધી સદી ફટકારવાના મામલે અભિષેક આગળ નીકળી ગયો છે. યુવરાજ સિંહે પોતાની કારકિર્દીમાં 5 વાર આવું કર્યું હતું, જ્યારે અભિષેકે 6 ઠી વખત 200+ ની સ્ટ્રાઈક રેટથી ફિફ્ટી ફટકારીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
