સાઉથ આફ્રિકાના મુખ્ય કોચ શુક્રી કોનરાડે આશા વ્યક્ત કરી છે કે, આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં બંને ટીમો ફરી એકવાર સામસામે હશે. ભારત ટી20 વર્લ્ડ કપ 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાને ઉતરશે. આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપ સાત ફેબ્રુઆરીથી આઠ માર્ચ સુધી ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાનાર છે. ભારતે 2024માં રમાયેલી ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ખિતાબ કબ્જે કર્યો હતો. કોનરાડે કહ્યું, “તેમાં કોઈ શંકા નથી કે હજુ અમને એટલે કે આફ્રિકન ટીમને ઘણું કામ કરવું પડશે, પરંતુ અમારા ખેલાડીઓને હવે એક મહિના સુધી એસએ20માં રમવાની તક મળશે.
આ તેના પ્રતિભાને નિખારવા માટે ઘણી સારી તૈયારી હશે, જેથી વેસ્ટઇન્ડીઝ અમારા દેશનો પ્રવાસ કરે તો અમે તેનો સામનો કરવા માટે તૈયાર રહીએ.” તેણે કહ્યું, “અને નિશ્ચિત રીતે આગામી સમયમાં વર્લ્ડ કપ પણ છે, જે મોટી ટુર્નામેન્ટ છે, અને ભલે આ ટી20 સિરીઝમાં ભારત સામે જોઈએ એવું પરિણામ મળ્યું નહીં, પરંતુ મને આશા છે કે, અમે ફરી ફાઈનલમાં પહોંચી શકીશું. કોનરાડે ભારતીય ટીમને લઈને વાત કરી અને કહ્યું, “ભારત એક શાનદાર ટીમ છે, તમારે તેની સામે દરેક સમયે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. જે રીતે તેઓએ બેટિંગ કરી અને પહેલા જ બોલથી બોલર્સ પર દબાણ બનાવ્યું, તેઓની પાસે કેટલાક મેચ વિનિંગ બોલર્સ પણ છે.
