બ્લૂમફોન્ટેનના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાન આમને-સામને હોય છે ત્યારે રોમાંચ તેની ચરમસીમાએ હોય છે. ’અંડર-19 વર્લ્ડ કપ’ ના સુપર-6 તબક્કાની આ નિર્ણાયક મેચમાં ભારતીય યુવા બ્રિગેડે કટ્ટર હરીફ પાકિસ્તાનને 58 રને સજ્જડ હાર આપી હતી. ભારતે આપેલા 253 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાની ટીમ માત્ર 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચની શરૂૂઆતમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ઓપનર એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશીએ પ્રથમ વિકેટ માટે 47 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને મક્કમ શરૂૂઆત અપાવી હતી. જોકે, વૈભવ 30 રન બનાવીને આઉટ થયો અને ત્યારપછી ભારતીય ઇનિંગમાં થોડીવાર માટે ધબડકો સર્જાયો હતો.
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો કેપ્ટન આયુષ મ્હાત્રે નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર 2 બોલ રમીને શૂન્ય પર આઉટ થતા ભારતનો સ્કોર 47 રનમાં 3 વિકેટ થઈ ગયો હતો, જેના કારણે ડ્રેસિંગ રૂૂમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ આવા મુશ્કેલ સમયમાં વેદાંત ત્રિવેદી સંકટમોચક બનીને આવ્યો અને બાજી સંભાળી લીધી હતી.
વેદાંતે ધીરજપૂર્વક બેટિંગ કરતા 98 બોલમાં 68 રનની શાનદાર અડધી સદી ફટકારી હતી. તેને એમ્બ્રીસ (29 રન), કનિષ્ક ચૌહાણ (35 રન) અને ખિલન પટેલ (21 રન) નો મહત્વપૂર્ણ સાથ મળતા ભારતે સન્માનજનક સ્કોર ખડક્યો હતો અને પાકિસ્તાનને પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો.
સેમિફાઇનલમાં ક્વોલિફાય થવા માટે પાકિસ્તાને આ લક્ષ્યાંક માત્ર 33.3 ઓવરમાં હાંસલ કરવાનો હતો, જેના દબાણમાં તેમનું ગણિત બગડી ગયું. ભારતીય બોલરો સામે તેઓ ટકી શક્યા નહીં. સમીર મિન્હાસ 11 બોલમાં 9 રન બનાવીને આઉટ થતા પાકિસ્તાનને 23 રને પહેલો ઝટકો લાગ્યો હતો.
જોકે, પાકિસ્તાન તરફથી વિકેટકીપર હમઝા ઝહૂર (42 રન) અને ઉસ્માન ખાન (66 રન) એ મધ્યમ ઓવરોમાં લડત આપી હતી. બંનેએ થોડીવાર માટે ભારતીય બોલરોને પરેશાન કર્યા હતા, પરંતુ તેઓ પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યા નહીં.
જ્યારે પાકિસ્તાનની મધ્યમ હરોળ સેટ થઈ રહી હતી ત્યારે ભારતીય સ્પિનરો ત્રાટક્યા હતા. કેપ્ટન આયુષ મ્હાત્રેએ બેટિંગની નિષ્ફળતાને ભુલાવી બોલિંગમાં કમાલ કરતા 3 વિકેટ ઝડપી હતી. ખિલન પટેલે પણ 3 વિકેટ લઈને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. અંતે પાકિસ્તાનની ટીમ 46.2 ઓવરમાં 194 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતનો ભવ્ય વિજય થયો હતો.
