દ્વારકા જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા ભારે વાહનોના કારણે વધતા અકસ્માતો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીના ભારે વાહનોના કારણે અવારનવાર ગંભીર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીના ભારે વાહનોના કારણે અવારનવાર ગંભીર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરો દ્વારા જિલ્લા તંત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી.

તેમના દ્વારા તંત્ર સમક્ષ કરવામાં આવેલી માંગણીઓમાં ભારે વાહનો માટે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે, ખાનગી કંપનીઓના ભારે વાહનો દ્વારા નિયમોનો ભંગ થાય તો તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને જે કંપનીના માલવાહક વાહનો દ્વારા અકસ્માતમાં ભોગ બનનાર પરિવારને પૂરતું યોગ્ય વળતર આપવામાં આવે, અકસ્માતવાળા સ્થળે રોડ સેફ્ટીના સાધનો જેવા કે ઇન્ડિકેટર, બેરિકેટ, રિફ્લેક્ટર વિગેરે ફરજિયાત કરવામાં આવે, વાહનના તમામ કાગળો વગર રોડ પર દોડતા વાહનો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી.છેલ્લા દિવસોમાં ચેલા-ચંગા પાટિયા પાસે, માઝા પાટિયા પાસે અને કેશોદ ગામ પાસે ગંભીર અકસ્માત થયા છે.

કેશોદ પાસે થયેલ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જેમાં કહેવાય છે કે અકસ્માતગ્રસ્ત વાહનના પૂરતા કાગળો ન હતા અને રોડ પર કોઈપણ પ્રકારની સેફ્ટી વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર તાત્કાલિક પગલા લઈને આવા અકસ્માતો અટકાવે. નહીંતર તેમના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *