ભાવનગર જિલ્લાનામહુવાના ગુંદરણી ગામેથી ગત એપ્રિલ મહિનામાં પેરોલ ફ્લો સ્ક્વોડે ફેક્ટરી ઝડપી પાડી હતી, તે ચકચારી નકલી વિદેશી દારૂૂના કેસમાં હવે ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 9 થી 10 શખ્સોની ધરપકડ થઈ ચુકી છે. રાજસ્થાનથી માણસો લાવી ડિહાઈડ્રેશનના પરિસરમાં નકલી દારૂૂ બનાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે.
મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના ગુંદરણી ગામ સર્વે નં. 105/1 હરિપરા રોડ ખાતે બળદેવસિંહ ભીખુભા ગોહિલે તેમની માલિકીની ’કેપ્ટન ફૂડ્ઝ’ કારખાનાની જગ્યા રાકેશ રમેશભાઈ બારૈયા (રહે. મહુવા) અને વિરાજ ઉર્ફે મુન્નો દાનુભાઈ મોભ (રહે. પાલિતાણા)ને ભાડે આપી હતી. આ શખ્સોએ રાજસ્થાનથી માણસો બોલાવી કારખાનાની પાછળના ભાગે આવેલા રૂૂમમાં નકલી દારૂૂ બનાવી વેચાણ શરૂૂ કર્યું હતું. ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ગત એપ્રિલ મહિનામાં કેપ્ટન ફૂડ્ઝમાં તપાસ કરતા ડુપ્લિકેટ વિદેશી દારૂૂ બનાવવાનું કૌભાંડ ખુલ્યું હતું. તે સમયે સ્ક્વોડે કુલ રૂૂા. 15.25 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 9 શખ્સો સામે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
નકલી દારૂૂ બનાવવાના આ કેસમાં અગાઉ જમીન માલિક બળદેવસિંહ ભીખુભા ગોહિલ સામે પણ ગુનો નોંધાયો હતો, જેઓ મહુવા ભાજપના નેતાના મોટાભાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જે બાદ આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી પેરોલ ફ્લો સ્ક્વોડે ગત રોજ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ભીખુભા ગોહિલની ધરપકડ કરી છે. જ્યાં નકલી દારૂૂ બનતો હતો તે જમીન અને કંપની તેમના નામે હોવાના આધાર પર તેમની ધરપકડ કરવામાં આવી છે.
રાજભા ગોહિલ મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ છે અને તેમના પત્ની મહુવા નગરપાલિકાના નગરસેવક છે. નકલી દારૂૂ બનાવવાના ગંભીર કેસમાં સત્તાધારી પક્ષ ભાજપના સ્થાનિક નેતાની જ સંડોવણી ખુલતા અને તેમની ધરપકડ થતાં રાજકીય આલમ સહિત સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
