રાજકોટમાં દેવ દિવાળી પછી શુકનવંતા દિવસોની શરૂૂઆત થતી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા (RMC નો વેરો ન ભરતા રીઢા અને મોટા બાકીદારો માટે દિવાળી પછી ખરેખર કમુરતા સમાન કપરા દિવસો શરૂૂ થવા જઈ રહ્યા છે. મનપાની ટેક્સ બ્રાન્ચ દ્વારા રૂૂ. 50 હજારથી વધુનો વેરો બાકી ધરાવતા તમામ બાકીદારો સામે સખ્તાઈથી પેશ આવવા માટે અત્યારથી જ વોર્ડ વાઈઝ હિટલિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવા બાકીદારોની મિલકતના નળજોડાણ કાપવા, સીલ કરી દેવા માટે દીવાળી તહેવાર બાદ આકરી વસુલાત ઝૂંબેશનો તખ્તો ઘડાયો હોવાનું ટેક્સ બ્રાન્ચના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ કમિશનરે તાજેતરમાં યોજાયેલી રિવ્યુ મીટિંગમાં સ્પષ્ટ અને કડક આદેશ આપ્યો છે કે દિવાળી સુધીમાં તમામ મોટા બાકીદારોની વોર્ડવાઈઝ યાદી તેમના ટેબલ પર આવી જવી જોઈએ. આ આદેશને પગલે ટેક્સ ઇન્સ્પેક્ટરોની ખાસ ટીમો ટૂંક સમયમાં જ મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે, જેઓ બાકીદારોના ઘરના નળ જોડાણ કાપવાથી માંડીને સીધા મિલકતોને તાળા મારવા સુધીની આક્રમક કાર્યવાહી હાથ ધરશે.
વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને આર્થિક કટોકટીની સીધી અસર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર પણ વર્તાઈ રહી છે. ખાડી યુદ્ધ બાદ આવેલી આર્થિક અસ્થિરતા અને કટોકટીના કારણે રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં પણ ઓટ આવી છે. આ ઉપરાંત, ડામર, પેટ્રોલિયમ પેદાશો અને અન્ય જરૂૂરી સામગ્રીના ભાવોમાં થયેલા ધરખમ વધારાને કારણે મનપાના ખર્ચમાં પણ મોટો ઉછાળો આવ્યો છે, જેની નકારાત્મક અસર રાજકોટ મનપાના નાણાકીય માળખા પર પડી છે. નાણાકીય વર્ષ દરમિયાન આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન જાળવી રાખવું તંત્ર માટે મોટો પડકાર બની રહ્યો છે. આ જ કારણોસર, મનપા દ્વારા આ વર્ષે વહેલાસર અને આક્રમક વસુલાત ઝુંબેશ શરૂૂ કરવા માટેનું સંપૂર્ણ ફૂલપ્રુફ પ્લાનિંગ પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યું છે, જેથી સમયસર ભંડોળ એકત્ર કરી શકાય અને શહેરી વિકાસના કામોમાં અડચણ ન આવે.
ટેક્સ સિવાયની બ્રાન્ચમાંથી સ્ટાફને લઇને ખાસ રિકવરી સેલ બનાવાશે
મિલકત ટેક્સની ઉઘરાણી કરવાની કામગીરી માટે અલગથી રીકવરી સેલ બનાવવામા આવ્યો છે. તેમા જેમને મુકવામા આવ્યા છે તેના ઓર્ડર ટુંક સમયમાં કાઢીને કડક વસુલાત માટે રીઢા બાકીદારો ઉપર તૂટી પડવામા આવશે. રીકવરી સેલમાં ઝોનવાઇઝ ટીમ બનાવવામા આવશે. જેમા ટેક્સ શાખા ઉપરાંત અન્ય બ્રાન્ચમાંથી સ્ટાફને લેવામા આવશે. આસી.મેનેજર હસ્તક ટેક્સ ઇન્સ્પેક્ટરો અને અન્ય બ્રાન્ચના સ્ટાફને મુકવામા આવશે. ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને ટીમના હેડ તરીકેની જવાબદારી સોંપવામા આવશે.
સીલ થવા છતા વેરો ભરતા ન હોય, તેમજ બિલ્ડરોની ખાલી મિલકત પહેલા ઝપટમાં લેવાશે
મનપાને વર્ષોથી વેરો ચુકવતા ન હોય અને સીલ કરી દેવામા આવી હોય તેવી સંખ્યાબંધ મિલકતો છે. તેના માલિકોને વખતોવખત મનપા તાકીદ કરે છે. વેરો ભરપાઇ કરી જવા અનેક વખત ચેતવણી આપવા છતા વેરો ભરતા નથી. સીલ થયેલી આવી મિલકતોની હરાજીનો ઘાણવો વસુલાત ઝૂંબેશમાં કાઢવામા આવશે. આ ઉપરાંત કમ્પ્લિશન સર્ટિફિકેટ અને બી.યુ.પી. મેળવી લીધી હોય, વેરા આકારણી પણ થઇ ગઇ હોય તેમ છતા ફ્લેટ કે ઓફિસ ખાલી પડી હોય અને તેનો વેરો ચુકવાતો ન હોય તેવી મિલકતોને પહેલા ઝપટમાં લેવાશે. બિલ્ડરોની આવી સંખ્યાબંધ મિલકતોનો વેરો લેણો નિકળે છે.
