વંથલીના મોટા કાજલિયાળામા યુવાને સાસુ-સસરા અને પત્નીને છરીના ઘા ઝીંકી દીધા

વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રાત્રિના છૂટાછેડા મુદે રાત્રિના ઘરમાં છુપાઈને પતિએ પત્નીની હત્યાની કોશિષ કરી સાસુ-સસરા પર પણ છરી વડે હુમલો કરતા ત્રણેયને જૂનાગઢ…

વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રાત્રિના છૂટાછેડા મુદે રાત્રિના ઘરમાં છુપાઈને પતિએ પત્નીની હત્યાની કોશિષ કરી સાસુ-સસરા પર પણ છરી વડે હુમલો કરતા ત્રણેયને જૂનાગઢ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાને લઇ પોલીસે આરોપી સામે હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોટા કાજલીયાળાના 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નિતિનભાઈ પરમારની ફરિયાદ અનુસાર તેઓએ તેમના ગામના નીતિન ધનજી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા 4 મહિનાથી તેના પિતા જીવણભાઈ મકવાણાના ઘરે રિસામણે હતા.

જયશ્રીબેન તેના પતિ નિતિનભાઈ ધનજીભાઈ પરમાર સાથે છૂટાછેડા લેવા માંગતા હતા. જેનું મનદુ:ખ રાખી પતિ ગત તા. 20 એપ્રિલના રોજ રાત્રે 2 વાગ્યે, છૂપી રીતે ઘરમાં પ્રવેશ્યો હતો. જયશ્રીબેન જ્યારે સંતાનો સાથે ઊંઘમાં હતા ત્યારે કોઈ આવ્યાનો અવાજ થતા જાગી ગયા હતા.

એવામાં પતિ નિતિનએ કબાટ આડેથી આવી આજે તને મારી નાખવી છે તેમ કહીને પોતાની પાસે રહેલી છરી વડે જયશ્રીબેનના ગુપ્ત ભાગે, સાથળ અને હાથની આંગળીઓ પર ગંભીર ઘા ઝીંક્યા હતા. દીકરીની બૂમો સાંભળીને વચ્ચે છોડાવવા પડેલા સસરા જીવણભાઈ અને સાસુ શારદાબેન પર પણ શખ્સે છરીથી હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા.

હુમલા બાદ પતિ નીતિન દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વંથલી પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે તેના પતિ નીતિન ધનજી પરમાર સામે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *