સુરતમાં ધો. 8 ની છાત્રાનો આપઘાત, ફી માટે શાળામાં ટોર્ચર કરાયાનો આક્ષેપ

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં…

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઈન્કાર કરતી હતી. તેના માતા-પિતા કામઅર્થે બહાર હતા, ત્યારે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

તો બીજી તરફ સ્કૂલ સંચાલકે પરિવારના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં છે. સાથે કહ્યું કે, છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. વાલીઓને જ ફી મામલે કહેવામાં આવે છે. બાળકીને તેનો પરિવાર જ ટોર્ચર કરતો હતો. હાલ વિદ્યાર્થિનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતક વિદ્યાર્થિનીના પિતા રાજુ ખટીકે કહ્યું હતું કે, ઉત્તરાયણ પહેલા મારી દીકરીની પરીક્ષા હતી તો સ્કૂલે પરીક્ષા આપવા દીધી ન હતી. સ્કૂલમાં તેને ક્લાસની બહાર ઊભી રાખવામાં આવી હતી. ઘરે આવીને રડવા લાગી હતી. મેં ફોન કર્યો તો મને કહ્યું કે, તમારી ફી ભરવાની બાકી છે. જેથી મેં આવતા મહિને ફી ભરવા માટે કહ્યું હતું. ત્યારબાદ દીકરી સ્કૂલે જવાની ના પાડતી હતી અને બાદમાં તેને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. સ્કૂલ વાળા છોકરાઓને ટોર્ચર કરે, કોઈની મજબૂરી હોય મોડું થાય.

આ મામલે સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલક મુકેશભાઈએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ અમને સવારે થઈ છે. સ્કૂલને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. ફી બાબતે આપઘાત કર્યો તે ખોટી વાત છે, આ પાયાવિહોણી વાત છે. સ્કૂલમાં છોકરાઓને ફી માટે જાણકારી આપતા જ નથી કે તમારી કેટલી ફી જમા છે અને કેટલી બાકી. અમે વાલીઓ સાથે જ વાત કરીએ છીએ. અમે તારીખ આપીએ છીએ અને તેને મેન્શન કરીએ છીએ અને પછી તેનો ફિડબેક લઈએ છીએ. જ્યારે વાલીઓ ફોન ન ઉપાડે ત્યારે જ અમે તેઓને વાલીને બોલાવવાનું કહીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *