બોટાદના સરવા ગામે પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકને ઉપાડી જઇ માર માર્યો

બોટાદ જિલ્લાના સરવા ગામે પ્રેમપ્રકરણની જૂની અદાવત રાખીને એક ખેડૂત યુવક પર ચાર શખ્સો દ્વારા પાઇપ વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે…

બોટાદ જિલ્લાના સરવા ગામે પ્રેમપ્રકરણની જૂની અદાવત રાખીને એક ખેડૂત યુવક પર ચાર શખ્સો દ્વારા પાઇપ વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સરવા ગામે રહેતા અને ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાલજીભાઈ રંગપરા (ઉંમર વર્ષ 32) નામના યુવકને ગામના જ કેટલાક શખ્સોએ નિશાન બનાવ્યો હતો.

ગઈકાલે જ્યારે અશોકભાઈ ગામમાં હતા, ત્યારે ભરત નાનજીભાઈ મેર, રાહુલ ભરત, સુનિલ અને કમલેશ સહિતના શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ હુમલાખોરો અશોકભાઈને બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડીને અજાણી વાડીએ અપહરણ કરી ગયા હતા, જ્યાં તેમણે યુવક પર લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બે સંતાનના પિતા એવા અશોકભાઈને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ ચકચારી હુમલા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સૂત્રો મુજબ,ભોગ બનનાર અશોકભાઈને અગાઉ ગામના જ ભરત નાનજીભાઈ મેરની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. જો કે, ત્યારબાદ ભરતની દીકરીના અન્ય જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. લગ્ન બાદ તાજેતરમાં જ યુવતીએ અશોકભાઈને ફોન કર્યો હતો, જેની જાણ યુવતીના પતિને થઈ ગઈ હતી.પ્રેમસંબંધ અને ફોન કોલની હકીકત સામે આવતા જ ઉશ્કેરાયેલા પતિ અને યુવતીના પિતા સહિતના પરિવારજનોએ અશોકભાઈને આંતરીને હુમલો કર્યો હતો. હાલ આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા બોટાદ પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *