રાજકોટ જીલ્લામાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. જસદણ પાસે આવેલા ભાડલાના રણજીત ગઢમાં મોડી રાત્રે નશો કરી આવેલા પતિને પત્નીએ દારૂ પીવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા પતિએ લાકડી લઇ પત્નીને માથામાં આડેધડ લાકડીના ઘા ઝીકી દીધા હતા અને કાન કાપી નાખ્યો હતો. ત્યારબાદ આરોપી પતિ ભાગી ગયો હતો અને વાડીમાં પાણી વાળવા ગયેલા બંને પુત્રો પરત ફરતા માતા લોહીલુહાણ હાલતમાં પડી હતી અને પિતા ગાયબ હોવાનુ જાણવા મળતા સ્થાનિકોની મદદથી બંને પુત્રોએ માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જયા સારવાર દરમિયાન મહિલાએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ ઘટના અંગે ભાડલા પોલીસે આરોપીને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.
બનાવની વધુ વિગતો મુજબ ભાડલાના રણજીત ગઢમાં આવેલી અશ્ર્વિનભાઇની વાડીમાં ખેતમજુરી કરતા ભુરીબેન ધનસિંગભાઇ ડાવર (ઉ.વ. 4પ) નામની મહિલા રાત્રીના 2 વાગ્યે વાડીમાંથી લોહીલુહાણ હાલતમાં તેમજ તેમનો કાન કપાયેલી હાલતમાં પડી હોવાનુ બંને પુત્રોને જાણવા મળતા તેઓએ સ્થાનીક લોકોની મદદથી રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડી હતી. આ ઘટના અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ ભાડલા પોલીસને કરતા ભાડલા પોલીસે રાજકોટની સિવિલ હોસ્પિટલે પહોંચી મૃતકના પુત્રની ફરીયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે.
મૃતક ભુરીબેનના પરિવારજનોમાંથી વિગતો મળી હતી કે ભુરીબેનનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે. તેમજ ચાર મહિના પહેલા જ પરિવાર સાથે રણજીત ગઢમાં આવેલી અશ્ર્વિનભાઇની વાડીએ ખેત મજુરી કરવા આવ્યા હતા. ગઇકાલે રાત્રીના સમયે તેમના બંને પુત્રો અનિલ અને સુનિલ વાડીએ પાણી વાળવા ગયા હતા અને ભુરીબેન ત્યા વાડીમાં સુતા હતા તે સમયે પતિ ધનસિંગ દારૂ ઢીંચીને આવ્યો હતો અને પત્ની સાથે માથાકુટ કરવા લાગ્યો હતો. જેથી પત્નીએ તેમને દારૂ નહી પીવા અંગે જણાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો તેમજ ઉશ્કેરાયેલા ધનસિંગે ત્યા પડેલી લાકડી વડે આડેધડ ભુરીબેનને માથાના ભાગે ઘા ઝીકી દીધા હતા જેમાં તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ભુરીબેનને માથામાં ઇજા સાથે હેમરેજ થયાનુ તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. તેમની સારવાર ચાલુ હતી ત્યારબાદ તેઓએ સારવાર દરમિયાન જ દમ તોડી દેતા આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ ઘટના અંગે રાજકોટ જીલ્લાના ભાડલા પોલીસના સ્ટાફે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.
દારૂ ન પીવા મામલે પત્નીએ સમજાવતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો, લાકડીના આડેધડ ઘા ઝીંકી માથામાં હેમરેજ કરી નાખ્યુવાડીએ પાણી વાળવા ગયેલા બંન્ને પુત્રો ઘરે આવ્યા ત્યારે માલુમ પડયુ કે માતા લોહી લુહાણ પડયા હતા, પિતા ભગી ગયા હતા