મૃતક 12 વર્ષથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાં, ગ્રામજનોમાં શાકેનું મોજું
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે,
જ્યાં લાંબી બીમારીથી પીડાતા એક ખેડૂતે અત્યંત દર્દનાક રીતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મોરબીના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા 53 વર્ષીય ખેડૂત છોટાલાલભાઈએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા 12 વર્ષથી મોઢાના કેન્સર જેવી જીવલેણ બીમારી સામે જંગ લડી રહેલા ખેડૂતે અંતે હારીને મોતનો માર્ગ પસંદ કર્યો હતો.
છોટાલાલભાઈ લાંબા સમયથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા. બીમારીના કારણે સતત થતી શારીરિક પીડા અને લાંબી સારવારના ખર્ચને લીધે ઊભી થયેલી આર્થિક તંગીથી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. હતાશામાં આવી જઈને તેમણે ખેતરમાં પડેલી સૂકી કડબ (ઘાસ) ના ઢગલામાં જાતે જ આગ લગાવી હતી અને ત્યારબાદ તેમાં કૂદીને અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ભયાનક રીતે થયેલા આપઘાતને પગલે પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સતત 12 વર્ષ સુધી બીમારી સામે ઝઝૂમ્યા બાદ અસહ્ય વેદનાને કારણે તેમણે આ પગલું ભર્યું હતું. હળવદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે. આ ઘટનાએ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની માનસિક સ્થિતિ અને તેમના પરિવારોની આર્થિક લાચારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
