ચામડીના રોગની ચર્ચા કરીએ તો તેમાં સામાન્ય સુષ્ક ત્વચાથી લઈ અને ખરજવું કે ચામડીના કેન્સર સુધીની વાત થઈ શકે. આપણી ચામડી સુંવાળી હોય, તંદુરસ્ત ત્વચા હોય ત્યાં સુધી આપણે તેના પ્રત્યે કોઇ ધ્યાન આપતા નથી. આપણા મનમાં ચામડી પ્રત્યેની ગંભીરતા જેવું કંઇ હોતું નથી. પરંતુ જેવી ચામડી પર કોઇ ખંજવાળ ચાલુ થાય કે ચીરો પડે અથવા ફોલ્લી થાય કે આપણો હાથ અનાયાસે પણ તરત તેના પર જઇ પડે છે. ચામડીનાં ઘણાં કાર્યો પૈકીનું એક કાર્ય છે, સંરક્ષણ. તેમાં કંઇક ગરબડ ઊભી થાય કે સંવેદના વધી જાય છે. ચોમાસાની ઋતુમાં ચામડીની વિશેષ સંભાળ રાખવી પડે છે. વિવિધ કારણોસર તેનું ઇન્ફેક્શન થાય છે. પરિણામે ખંજવાળ આવે છે. ચીરા કે ચાંદા પડવાને લીધે ચામડીની સંરક્ષણની દીવાલ તૂટે છે. આથી બાહ્ય જીવાણુઓનો પ્રવેશ સરળ બને છે.
ખરજવું સામાન્ય રીતે હાઈપરસેન્સિટિવિટી (અતિસંવેદનશીલતા) અથવા એલર્જીને કારણે થાય છે જેને લીધે બળતરા થાય છે. આ બળતરાને કારણે ત્વચા(ચામડી) લાલ, ખંજવાળ આવે તેવી અને ભીંગડા વળી જાય તેવી થઈ જાય છે.આયુર્વેદ આને ‘વિચર્ચિકા’ કહે છે. સામાન્ય ભાષામાં તે ‘ખરજવું’ તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં તેને એક્ઝિમા કહે છે. તેની ચળ બહુ ખતરનાક હોય છે. તે ચામડી પર વિસ્તરતું જાય છે. જેમ ખંજવાળો, તેમ તેની પીડા વધતી જાય છે. આ સમસ્યા ખાસ કરીને કેમિકલ યુક્ત વસ્તુઓના ઉપયોગથી થાય છે. તેમા સાબૂ, ચૂનો, ડિટર્જન્ટનો વધારે ઉપયોગ, પીરિયડ્સની સમસ્યા, કબજિયાત પણ સામેલ છે. તે સિવાય જે લોકોને પહેલાથી જ દાદર, ખરજવું હોય તે લોકોના કપડા પહેરવાથી પણ ચેપ લાગી શકે છે.
ખરજવાના બે પ્રકાર છે
સુકું ખરજવું અને લીલું ખરજવું
સૂકું ખરજવું ચામડીને એ સુષ્ક બનાવી દે છે. જરા પણ ચીકાશ હોતી નથી.ખૂબ જ ખંજવાળ સાથે ચામડી કાળાશ પડતી અને ખરબચડી બની જાય છે. અંગ્રેજીમાં તેને ડ્રાય એક્ઝિમા કહે છે.
લીલા ખરજવામાં ચામડી માં ખંજવાળ ફોડલી થઈ ચામડીના સ્તર પરથી ચીકણું પ્રવાહી જેવું ઝર્યા કરે છે. જ્યાંથી એ નીકળે છે, તે જરા ઉપસી જાય છે. અંગ્રેજીમાં તેને વેટ એક્ઝિમા કહે છે.ઘણીવાર ખરજવું વારસાગત પણ હોય છે. માતા કે પિતાના પક્ષે કોઇને ખરજવું થયું હોય તો દમ કે શ્વાસના રોગની જેમ સંતાનોમાં તે વારસામાં મળે છે.
ખરજવું ખાસ કરી ને માથે, ગળે , કોણી ની અંદર ના ભાગે, ઘૂંટણ ની અંદર ના ભાગે, ગુપ્તાંગ વગેરે જેવી જગ્યાઓ એ સામાન્યત: વધુ જોવા મળે છે. ઘણા લોકો ને શિયાળામાં ચામડી ખુબ સુક્કી થઇ જાય છે, અને વારંવાર આવું થવા ને કારણે એ ખરજવામાં તબદીલ થઇ જાય છે. ખરજવાના લક્ષણો માં ત્વચા પર લાલ દાણા થવા, ખંજવાળ આવવી, જ્વલન થવી, લોહી નીકળવું વગેરે જોવા મળે છે.
ખરજવું થવાના કારણો શું છે?
ખરજવું પેઢી દર પેઢી ચાલે છે. કેટલાક જીન્સના કારણે કેટલાક લોકોની ત્વચા અતિ સંવેદનશીલ હોય છે. અતિ સક્રિય રોગપ્રતિકારક તંત્ર પણ એક કારણ હોય શકે છે.આ ઉપરાંત, ત્વચા અવરોધમાં ખામી પણ ખરજવામાં ફાળો આપે છે. આ ખામીઓ ત્વચા ની આદ્રતાને બહાર કાઢે છે અને જંતુઓ ને અંદર આવવા દે છે.
ખરજવું થવાના પરિબળો નિમ્નવત છે તણાવ, અમૂક પદાર્થો સાથે સંપર્ક જેમકે ઊન, કૃત્રિમ કાપડ અને સાબુ.ગરમી અને પરસેવો, શીત, શુષ્ક આબોહવા,શુષ્ક ત્વચા.
ખરજવાને મટાડવાના કેટલાક ઉપાયો
જૈતુનનું તેલ: ખંજવાળ થવા પર ગરમ પાણીથી નહાવો અને તરત કોઈ ક્રીમનો ખરજવાની જગ્યાએ ઉપયોગ કરવાની જગ્યાએ જૈતુનના તેલનો ઉપયોગ કરો. આ ઉપયોગ કરવાથી ખરજવું મટી જશે. ખરજવામાં આવેલા જીવાણુંનો નાશ કરવામાં આ જૈતુન તેલ સક્ષમ છે.
તુલસી: તુળસીના એન્ટી માઈક્રોબીયલ ગુણો આવેલા હોય છે, જે ચામડીના સંક્રમણથી છુટકારો અપાવી શકે છે. જેમાં તે ખરજવાનો જડમૂળ માંથી નાશ કરે છે. સાથે જે ખંજવાળ અને બળતરાને પણ શાંત કરે છે. તુલસીની ચા પીવાથી ખરજવું મટે છે. તુલસીના પાંદડાનો રસ કાઢીને ખરજવાના સ્થાન પર લગાવવાથી અને થોડા સમય રહ્યા દેવા દીધા બાદ ધોઈ લેવાથી ખરજવું મટે છે. સતત ઉપાય કરવાથી પરિણામ મળે છે.
એલોવીરા-કુવારપાઠું: એલોવીરા પણ એન્ટી ઈન્ફ્લામેટરી ગુણોથી ભરપુર છે. તે ખરજવાના ઈલાજમાં ઉપયોગી છે. એલોવિરાના તાજા પાંદડાનો પેસ્ટ બનાવીને ખરજવાના સ્થાન પે લગાવો. તેને બે ત્રણ કલાક સુધી ખરજવા પર રહેવા દીધા બાદ સુકાઈ જશે. તેને ગરમ પાણીથી ધોઈ લો. આમ, આ ઉપાય થોડા દિવસો સુધી કરવાથી ખરજવું મટી જાય છે.
હળદર: હળદરમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ આવેલા હોય છે, સાથે તેમાં એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે ખરજવાને મટાડે છે, તેમજ તેના સોજા અને પરું કે પાણીને પણ દુર કરે છે. હળદરમાં દૂધ અને ગુલાબ જળ ભેળવીને પ્રભવિત સ્થાન પર લગાવો. 15 થી 20 મિનીટ રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. હળદરના ઉપયોગથી ખરજવું મટે છે.
લીમડો: લીમડો કોઇપણ ચામડીના રોગને મટાડવા માટે ઉપયોગી છે. લીમડો એક ભારતીય આયુર્વેદમાં ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતું ઔષધ છે. જેમાં ખરજવા પે લીમડાનો પેસ્ટ કરવાથી ખરજવું મટે છે. લીમડાનો પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ એક વાટકામાં જેટલા લીમડાના પાન લેવા, ત્યારબાદ તેને ધોઈને સાફ કરવા. તે પાનમાં હવે થોડું પાણી 2 થી 3 ચમચી જેટલું નાખી અને તેને વાટીને પેસ્ટ બનાવી લેવો.
નારિયેળ: શરીરમાં ખરજવા વાળા સ્થાન પર નારિયેળનું કોપરેલ તેલ લગાવો. તેનાથી ખંજવાળ તેમજ લાલાશથી રાહત મળશે. નારિયેળના તલમાં કાચું કપૂરને સરખી રીતે ભેળવીને ખરજવા વાળા સ્થાન પર લગાવો. તેનાથી ખરજવું ઝડપથી મટી જશે.
