મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા નિકળ્યા બાદ કૌટુંબિક ભાઈઓએ ઘરમાં ઘુસી માર માર્યાનો આરોપ
જેતપુરના નવાગઢમાં પાડોશી મહિલાને છેડતીના ડખ્ખામાં વચ્ચે પડયાનો ખાર રાખી કૌટુંબીક ભાઈઓએ ઘરમાં ઘુસી સસરા-વહુ ઉપર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા સસરા-વહુને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જેતપુરના નવાગઢમાં આવેલા દાસીજીવણપરામાં રહેતાં ભોજાભાઈ ચનાભાઈ ઝીંઝુડા (ઉ.50) અને તેમની પુત્રવધુ શિતલબેન મુકેશભાઈ ઝીંઝુડા (ઉ.32) પોતાના ઘરે હતાં ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં કૌટુંબીક ભાઈ રવિ ઝીંઝુડા અને રમેશ ઝીંઝુડા સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા સસરા વહુને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત ભોજાભાઈ ઝીંઝુડાની પાડોશમાં રહેતી મહિલાની હુમલાખોર રમેશ ઝીંઝુડાએ છેડતી કરી હતી. જે ડખ્ખામાં ભોજાભાઈ વચ્ચે પડયા હતાં. ત્યારબાદ મહિલા ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પહોંચી હતી. તે દરમિયાન રમેશ ઝીંઝુડા સહિતનાએ ભોજાભાઈના ઘરમાં ઘુસી ભોજાભાઈ અને તેની પુત્રવધુ શિતલબેન ઉપર હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
