બાળકની કસ્ટડીનો કેસ ચાલે છે છતાં, પુત્રવધૂના પ્રેમીએ કહ્યું, તારા દીકરાની વહુ લઈ ગયો હતો હવે તેના દીકરાને પણ લઈ જાઉ છું
કુવાડવા નજીકના કુચીયાદળ ગામે રહેતાં પ્રૌઢ પર તેના પૌત્રના કબ્જા બાબતે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ થઇ છે. આ મામલે આ પ્રૌઢના પુત્રવધૂ અને તેણી હાલ જેની સાથે મૈત્રી કરારથી રહે છે તે શખ્સ વિરૂૂધ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
વધુ વિગતો મુજબ,કુચીયાદળના રવજીભાઈ ગોવિંદભાઈ વાઘેલા (ઉ.વ.57)ની ફરિયાદ પરથી રાજકોટ રહેતાં તેજસભાઈ દલપતરામ દેસાણી અને સંગીતાબેન માણસુરભાઈ ચાવડા વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.રવજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના દિકરા હરેશભાઈના પુત્ર જીયાંશ કે જે સાડા ત્રણ વર્ષનો છે તેને બળજબરી પુર્વેક લઇ જવા માટે તેજસ અને સંગીતા કુચીયાદળ આવ્યા હતાં. આ વખતે રવજીભાઈના પત્નિએ બાળકને લઈ જવાની ના પાડતાં તેજસે તેણીને ગાળો દીધી હતી.બાદમાં તેજસ અને સંગીતાએ મળી તેણીના વાળ પકડી માથુ દિવલમાં ભટકાવ્યું હતું.
રવજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેજસ અને સંગીતા સાથે બાળકની કસ્ટડીનો કોર્ટેમાં કેસ ચાલુ છે. આ કેસનો ચુકાદો આવે અને તમે કેસ જીતો તો બાળકને લઈ જજો તેમ કહેતાં તેજસે કાંઠલો પકડી ગાળો દઈ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતાં અને અગાઉ તમારા દિકરાની વહુને લઇ ગયો હતો, હવે તેના દિકરાને લઈ જાઉ છું થાય તે કરી લેજો તેમ કહી ધમકી આપી હતી. હાલ સગીતા તેજસ સાથે મૈત્રી કરારથી રહે છે. તેણીનો રવજીભાઈની સાથે પુત્રવધૂનો સંબંધ હતો.એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઇ આઈ. એન. સાવલીયાએ ગુનો દાખલ કરાવ્યા બાદ આ ગુનાની વધુ તપાસ એસસીએસટી સેલના એસીપી સી. એમ. પટેલ ચલાવી રહ્યા છે.
