જસદણમાં દિવંગત તબીબના પત્ની પાસેથી રૂૂ. 8,00,000 ની પઠાણી ઉઘરાણી કરી, જાનથી મારી નાખવાની તેમજ મિલકત પચાવી પાડવાની ધમકી આપવા બદલ કુટુંબી ભાણેજ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ રાજકોટના મેઘાણી ટાવર, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ ઉપર રહેતા આણંદબા દાદભાઈ રાણીંગભાઈ ખાચરે (ઉં.વ. 50) નોધાવેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ તેમને એમ.ફીલ સુધી અભ્યાસ કરેલ છે અને હાલ તે બોટાદના સાળંગપુર ખાતે રહેતા હોય તેમના પતિ દાદભાઈ રાણીંગભાઈ ખાચર મેડિકલ ઓફિસર હતા અને જસદણના લાતી પ્લોટ ખાતે ’અક્ષર ક્લિનિક’ ચલાવતા હતા. વર્ષ 2023 માં તેમના પતિનું અવસાન થયું હતું. ફરિયાદીને સંતાનમાં 19 વર્ષનો પુત્ર હરિકૃષ્ણ જે હાલ એમબીબીએસમાં અભ્યાસ કરે છે અને 17 વર્ષની પુત્રી છે.
પતિના અવસાન બાદ ફરિયાદીના કુટુંબી ભાણેજ જયવીરભાઈ નટુભાઈ ગીડા (રહે. સૂર્યવંદના સોસાયટી, જસદણ) એ એવો દાવો કર્યો હતો કે તેણે ફરિયાદીના મૃત પતિને રૂૂ. 8,00,000 આપ્યા હતા. આ અંગે કોઈ લેતીદેતીની જાણ ન હોવાનું ફરિયાદીએ જણાવવા છતાં, આરોપી અવારનવાર બોલાચાલી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો અને રૂૂપિયા ન આપે તો પરિવારને જીવતા નહીં રાખવાની તેમજ સાળંગપુર વાળો પ્લોટ બારોબાર વેચી નાખવાની ધમકી આપતો હતો.
તા. 08/06/2025 ના રોજ જસદણના લાતી પ્લોટ સ્થિત દવાખાને આવીને પણ આરોપીએ ઉઘરાણી કરી બોલાચાલી કરી હતી. ત્યારબાદ આશરે એક મહિના અગાઉ ફરિયાદી તથા તેમના કુટુંબી દિયર સુરેશભાઈ સામતભાઈ ખાચર મારફતે રૂૂપિયા તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન-પરેશાન કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કુટુંબી ભાણેજ હોવાથી તે સમજી જશે તેવી આશાએ ફરિયાદ કરવામાં વિલંબ થયો હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.અંતે ફરિયાદ નોંધાવી હતી, વધુ તપાસ જસદણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.ડી.વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
