કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામે જ હિટ એન્ડ રન; રસ્તો ઓળંગતા સિક્યુરિટી ગાર્ડનું મોત

નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફરતી વખતે અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધા શહેરમાં બેફામ વાહનચાલકોનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર કુવાડવા…

નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફરતી વખતે અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધા

શહેરમાં બેફામ વાહનચાલકોનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની બરાબર સામે જ હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં રસ્તો ઓળંગી રહેલા 50 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું કરુણ મોત નીપજ્યું છે.મળતી વિગતો અનુસાર, કુવાડવા હાઇવે રોડ પર સાત હનુમાન પાસે આવેલા દેવનગર ઢોરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ નાથુભાઈ ઉર્ફે નટવરભાઈ ભખોળીયા (ઉં.વ. 50) મોરબી રોડ પર આવેલી એક ખાનગી પ્રોપર્ટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે સાંજે આશરે સાત વાગ્યાના સુમારે તેઓ પોતાની નોકરી પૂર્ણ કરીને રિક્ષા મારફતે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે ઉતર્યા હતા.

પોલીસ સ્ટેશનની સામેની બાજુએ જ તેમનું ઘર આવેલું હોવાથી મનસુખભાઈ પગપાળા રસ્તો ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેના ઓવરબ્રિજ પાસે પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા કાર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં મનસુખભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે એકઠા થયેલા રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતા પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

જોકે, ચાલુ સારવાર દરમિયાન મોડી રાત્રે આશરે 3:30 વાગ્યે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.મૃતક મનસુખભાઈ ચાર ભાઈઓ અને એક બહેનમાં બીજા નંબરના હતા, અને તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ તથા એક દીકરો છે. ઘરના મોભીના અકાળે અવસાનથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *