ગોંડલના ચકચારી હિરેન છાંટબાર હત્યા કેસમાં સાક્ષી રહેલા યુવાનને રસ્તામાં આંતરી ’તારા લીધે મારા ભાઈને સજા થઈ છે’ તેમ કહીં આરોપીના પિતરાઈ ભાઈ અને સાગરીતોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી જઈને આપઘાતનો પ્રયાસ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ગોંડલની મોટી બજાર બાવાવાળા શેરીમાં રહેતા 30 વર્ષીય અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોઈન મકસુદ શેખ અને મોહસીનનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઇ તા. 30ના સાંજના પત્ની અને દીકરા સાથે એક્ટીવા મોટર સાયકલ લઇ દુધ લેવા જવા નીકળ્યા હતા. તે દરમિયાન ઘરની સામે રહેતા મોઈન મકસુદભાઈ શેખ અને તેના ભાઇએ મિત્ર હિરેન સુરેશભાઈ છાંટબારનું સાતેક વર્ષ પહેલા મર્ડર કર્યું હતું. જેમાં 10 દિવસ પહેલા મોઈનના ભાઈ હુસેન મુકસુદભાઈ શેખને આજીવન કેદની સજા પડી હતી, જે બાબતનો ખાર રાખીને આંતર્યા હતા અને ’મારા ભાઈને તે સજા પડાવી’ તેમ કહી ગાળો આપી હતી.
જેથી તેને ગાળ દેવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ ગયો અને કહેવા લાગેલ કે ‘’તું આ મર્ડરના કેસમાં મુખ્ય સાક્ષી હતો અને તારા લીધે મારા ભાઈને સજા થયેલ છે, હવે તું જોઈ લે તેમ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતો. બાદમાં મોઈન સાથે હાજર તેનો માસીનો દીકરો મોસીન (રહે. પારેખ શેરી)એ પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે પત્ની અને પુત્ર સાથે હોવાથી ત્યાંથી નીકળી ગયેલ હતા. બાદમાં ડર લગતા ઘરમાં રહેલ ફિનાઈલ પી લીધું હતું જેની મિત્ર નવાજને જાણ થતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયેલ હતો. આ મામલે ગોંડલ સીટી પોલીસની ટીમે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
