ગોંડલમાં યુવતીને મેસેજ કરનાર યુવકને નદી કાંઠે ઉંધો લટકાવ્યો

ગોંડલમાં પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ મોકલનાર શખ્સને સમજાવવા ગયેલ 19 વર્ષીય દરજીકામ કરતા યુવક પર ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાની સસંસનાટીભરી ઘટના સામે આવી છે.…

ગોંડલમાં પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ મોકલનાર શખ્સને સમજાવવા ગયેલ 19 વર્ષીય દરજીકામ કરતા યુવક પર ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાની સસંસનાટીભરી ઘટના સામે આવી છે. હુમલાખોરોએ યુવકને ઢીકાપાટુ તેમજ બેલ્ટ વડે માર મારી, છરી બતાવી બળજબરીપૂર્વક વીડિયો ઉતાર્યો હતો. એટલું જ નહીં, યુવકના પગ પકડી નદીના પાળા પરથી ઊંધો લટકાવી પાણીમાં ડૂબાડી મારી નાખવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પ્રાથમિક સારવાર વખતે હોસ્પિટલમાં અકસ્માતનું ખોટું કારણ દર્શાવ્યું હતું. પરંતુ શરીરે અસહ્ય દુખાવો અને કાળા ચાંભા પડી જતાં ગોંડલ સરકારી હોસ્પિટલના તબીબે પૂછપરછ કરતાં સમગ્ર સત્ય બહાર આવ્યું હતું અને અંતે આ અંગે ગોંડલ સીટી પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે. જેમાં ચારેયના ઝડપી લીધા હતા.

મળતી માહિતી મુજબ, ગોંડલના રણછોડનગર વિસ્તારમાં રહેતા અને દરજીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 19 વર્ષીય બ્રિજેશ કમલેશભાઈ જેઠવાએ નોંધાવેલી ફરિયાદમાં ગૌતમ મહેન્દ્રભાઈ વાઘેલા, મિલન ભનુભાઈ ઝાલા, સ્મિત ઉર્ફે રાજા હરસુખભાઈ પરમાર અને રોનક જયેશભાઈ પરમારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશરે એકાદ મહિના પહેલા બ્રિજેશની ફ્રેન્ડ ઐશ્વર્યાને આરોપી ગૌતમ વાઘેલા અવારનવાર વોટ્સ એપ પર મેસેજ કરતો હતો અને શેરીમાં આંટાફેરા મારતો હતો. આ અંગે યુવતીએ બ્રિજેશને વાત કરી ગૌતમને સમજાવવા જણાવ્યું હતું. ત્યારબાદ ગૌતમે બ્રિજેશનો નંબર મેળવી તેને મળવા બોલાવ્યો હતો પરંતુ બ્રિજેશે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. ગત તા.19ના રોજ બપોરના આશરે એકાદ વાગ્યાના સુમારે બ્રિજેશ પોતાના મિત્ર વત્સલ જોષી સાથે ગોંડલી નદી કાંઠે આવેલા મેલડી માતાના મંદિરે સાફ-સફાઈ કરવા ગયો હતો.

આ દરમિયાન આશરે બે વાગ્યાના અરસામાં ગૌતમ વાઘેલા, મિલન ઝાલા, સ્મિત ઉર્ફે રાજા પરમાર અને રોનક પરમાર બાઇક પર ત્યાં આવી પહોંચ્યા હતા. રોનક અને સ્મિતે ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે ગૌતમ અને મિલને કમરપટ્ટા વડે બ્રિજેશને શરીરે સખત માર માર્યો હતો. વચ્ચે બચાવવા પડેલા તેના મિત્ર વત્સલને પણ ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાન આરોપી સ્મિત ઉર્ફે રાજાએ છરી બતાવી બ્રિજેશને ધમકાવીને “મેં તમારા સમાજ વિશે ખરાબ બોલ્યો હતો અને છોકરી બાબતે ઝઘડો કરાવ્યો હતો” તેવું બળજબરીથી બોલાવી પોતાના મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો.બ્રજેશના પગ પકડીને નદી કાંઠાના પાળા પરથી ઊંધો લટકાવી દીધો હતો અને “આજે તો તને પાણીમાં ડૂબાડી મારી જ નાખવો છે અને જો પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખીશું” તેવી ધમકીઓ આપી હતી. યુવકે કાલાવાલા કરતા આરોપીઓ તેને છોડીને નાસી છૂટ્યા હતા.

ઘટના બાદ ભયભીત થયેલા બ્રિજેશે પ્રાથમિક સારવાર વખતે હોસ્પિટલમાં અકસ્માતનું ખોટું કારણ દર્શાવ્યું હતું. પરંતુ શરીરે અસહ્ય દુખાવો અને કાળા ચાંભા પડી જતાં ગોંડલ સરકારી હોસ્પિટલના તબીબે પૂછપરછ કરતાં સમગ્ર સત્ય બહાર આવ્યું હતું અને આ મામલે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા રેન્જ આજી નીર્લિત રાય તેમજ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના પોલીસ અધિકારીઓ ગોંડલ દોડી આવ્યા હતા. ગોંડલ સીટી પોલીસે ફરિયાદી બ્રિજેશ જેઠવાની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ ગૌતમ વાઘેલા, મિલન ઝાલા, સ્મિત ઉર્ફે રાજા પરમાર અને રોનક પરમાર સામે ગુનો નોંધી ચારેયની અટકાયત કરી છે. આ બનાવની આગળની તપાસ પી.આઈ. જે.આર.ઝાલા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *