રાજકોટમાં વધુ એક લોથ ઢળી, હરિપર (પાળ)માં રૂમ ખાલી કરવા મામલે ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરની હત્યા

રાજકોટના હરીપર પાળ ગામ પાસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. રૂૂમ ખાલી કરવા બાબતે થયેલા ઝઘડા અને મનદુ:ખનો ખાર રાખીને એક શખ્સે ટ્રાન્સપોર્ટ કંપનીમાં સાથે…

રાજકોટના હરીપર પાળ ગામ પાસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. રૂૂમ ખાલી કરવા બાબતે થયેલા ઝઘડા અને મનદુ:ખનો ખાર રાખીને એક શખ્સે ટ્રાન્સપોર્ટ કંપનીમાં સાથે નોકરી કરતા ડ્રાઇવર પર હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી નાખતા આ બનાવ અંગે મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, મેટોડા ગામના વતની અને હાલ લોધીકા નજીક હરિપર (પાળ) ગામે આવેલા શ્રધ્ધા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવીંગ કરતા અને તેનાજ ગોડાઉનમાં રહેતા હરેશભાઈ અમરશીભાઈ દાફડા (ઉ.વ.22)ની ગઈકાલે બપોરે જૂનાગામ તરફ જવાના રસ્તા પર સાથે જ ડ્રાઈવીંગ કરતા આરોપી બાબુજી ઠોકોરે લાકડી વડે જીવલેણ હુમલો કરી હત્યા કર્યાની મેટોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક હરેશભાઈ અમરશીભાઈ દાફડા (ઉં.વ. 52, રહે. હરીપર પાળ, મૂળ મેટોડા) હરીપર પાળ ખાતે આવેલી શ્રદ્ધા ટ્રાન્સપોર્ટ (શ્રદ્ધા રોડવેઝ)માં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. આરોપી બાબુભાઈ ચુડાજી ઠાકોર (રહે. હરીપર પાળ) પણ અગાઉ આ જ કંપનીમાં ડ્રાઇવિંગ કરતો હતો અને ટ્રાન્સપોર્ટના માલિક ભાવેશભાઈ રાઠોડની ઓરડીમાં જ રહેતો હતો. ગઈકાલે બપોરના સમયે ઓરડી ખાલી કરવા બાબતે હરેશભાઈ અને બાબુભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતનો તીવ્ર ખાર રાખીને આરોપી બાબુભાઈ ઠાકોરે હરેશભાઈની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. બપોરના આશરે એકથી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન હરેશભાઈ દાફડા પોતાની મોટરસાઇકલ લઈને સુપેક કારખાનાની દીવાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે આરોપી બાબુભાઈએ તેમને રસ્તામાં ઊભા રખાવીને હુમલો કરી દીધો હતો, હુમલા બાદ હરેશભાઈ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર ઢળી પડ્યા હતા અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં જ ટ્રાન્સપોર્ટ માલિક ભાવેશભાઈ રાઠોડ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને હરેશભાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના નાના ભાઈ રતીલાલ અમરશીભાઈ દાફડા (રહે. મેટોડા)ને ફોન દ્વારા જાણ કરવામાં આવતા તેઓ પરિવારજનો સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાઈના મૃતદેહ પરના ગંભીર ઘા જોઈને પરિવારે ભારે આક્રંદ કર્યું હતું.આ મામલે મૃતકના ભાઈ રતીલાલ દાફડાની ફરિયાદના આધારે મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસે આરોપી બાબુભાઈ ચુડાજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપી બાબુભાઈ ઠાકોરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *