ધ્રોલના ચંદનવાસ વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારે ધીરધાર લાઇસન્સધારક સામે ઊંચા વ્યાજે નાણાં આપીને મુદ્દલ કરતાં અનેકગણી રકમ વસૂલ્યા બાદ પણ વધુ વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી માટે ધમકી આપ્યાનો આક્ષેપ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2023 દરમિયાન ફરિયાદીના પિતાએ સારવાર માટેની જરૂૂરિયાતને પગલે ધ્રોલના એક ધીરધાર લાઇસન્સધારક પાસેથી રૂૂ. 25 હજાર માસિક રૂૂ. 2,500 (10 ટકા) વ્યાજે ઉધાર લીધા હતા. તે સમયે સુરક્ષા તરીકે કોરો ચેક પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ દર મહિને રોકડ તેમજ ગૂગલ પે મારફતે વ્યાજની રકમ ચૂકવાતી રહી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ગૂગલ પે, રોકડ અને અન્ય માધ્યમો દ્વારા કુલ રૂૂ. 1.15 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી હોવા છતાં આરોપીએ મૂળ રૂૂ. 25 હજાર પરત આપવાની માંગ ચાલુ રાખી હતી. પરિવાર દ્વારા વધુ વ્યાજ ચૂકવવાનો ઇનકાર કરી કોરો ચેક પરત માંગતાં આરોપીએ ચેક બેંકમાં રજૂ કરવાની તેમજ પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી.
ફરિયાદ અનુસાર થોડા દિવસો બાદ આરોપીના કર્મચારી તરીકે ઓળખાતા મુસ્તફા ઇંટના ભઠ્ઠા પર પહોંચી મુદ્દલ અને વ્યાજની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી હતી. રૂૂપિયા નહીં આપો તો “જોઈ લઈશું” તેવી ધમકી આપી બળજબરીપૂર્વક ઉઘરાણી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે જીવણભાઈ દેવજીભાઈ ચાવડાની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે ધીરધાર લાઇસન્સધારક તોસીફ જુસબભાઈ દલ અને તેના કર્મચારી મુસ્તફા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘરમાંથી ઘરેણા ગાયબ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે રહેતા રાજેશભાઈ નરભેરામ અગ્રાવતે પોતાના રહેણાંક મકાનમાંથી રૂૂ. 50,500ના સોનાના દાગીના ગાયબ થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, ગત તા. 28 એપ્રિલ 2026 ના રોજ ફરિયાદીના પત્ની મીતાબેને કબાટના લોકરમાંથી સોનાના બુટીયાની એક જોડી રીપેરિંગ માટે કાઢી હતી. તે સમયે ઉતાવળમાં કબાટનું લોક મારવાનું રહી ગયું હતું. ત્યારબાદ બંને પતિ-પત્ની જામનગર રીપેરિંગ માટે ગયા હતા અને બુટીયા પહેરી લીધા હતા. પછી તા. 28 મે 2026ના રોજ પત્ની પૈસા મૂકવા માટે લોકર ખોલતાં અંદર રાખેલો ત્રણ તોલાનો સોનાનો હાર અને બે તોલાની સોનાની ચેઈન-પેન્ડલ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જ્યારે અન્ય સોનાના દાગીના લોકરમાં યથાવત હતા. પરિવારજનો સાથે સમગ્ર ઘરમાં શોધખોળ કરવા છતાં દાગીના મળી આવ્યા ન હતા, અને પરિવારના સભ્યોએ પણ દાગીના લીધા ન હોવાનું જણાવ્યું હતું.
