ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે મંદિરમાં દાનના બહાને ગઠિયો 100 ગ્રામ સોનું ઓળવી ગયો

ધ્રાંગધ્રા શહેરમાં નીલકંઠ જ્વેલર્સના માલિક જીગ્નેશ આડેસરા સાથે 100 ગ્રામ સોનાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ મંદિરમાં દાન આપવાના બહાને આ છેતરપિંડી આચરી હતી.…

ધ્રાંગધ્રા શહેરમાં નીલકંઠ જ્વેલર્સના માલિક જીગ્નેશ આડેસરા સાથે 100 ગ્રામ સોનાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ મંદિરમાં દાન આપવાના બહાને આ છેતરપિંડી આચરી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત 30 નવેમ્બરે એક અજાણ્યો શખ્સ નીલકંઠ જ્વેલર્સ પર આવ્યો હતો. તેણે પોતાની ઓળખ મહેન્દ્ર સાવલિયા તરીકે આપી હતી. તેણે જેગડવા ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ માટે 50 ગ્રામ સોનું દાન કરવા અને અન્ય 50 ગ્રામ સોનું પોતાના ઘર માટે ખરીદવાની વાત કરી હતી. આમ, કુલ 100 ગ્રામ સોનું ખરીદી તેના બદલામાં તેણે સોની વેપારીને ખાનગી બેંકનો રૂૂ. 13.47 લાખનો ચેક આપ્યો હતો. બાદમાં, સોની વેપારીએ ચેકની તપાસ કરતાં તેમાં રકમનો ઉલ્લેખ ન હોવાનું જણાયું હતું. આ અંગે શખ્સનો ફોન બંધ આવતા વેપારીને શંકા ગઈ હતી.

વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે શખ્સ મહેન્દ્રભાઈ સાવલિયા નહીં, પરંતુ જેતપુર તાલુકાના થાણા ગલોલ ગામનો શૈલેષભાઈ છગનભાઈ ઉધાડ છે. છેતરપિંડીનો ભોગ બન્યા બાદ વેપારીએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસના આધારે છેતરપિંડી આચરનાર શૈલેષ ઉધાડને ગત ગુરુવારે ઝડપી પાડ્યો હતો.
હાલ તેની રિમાન્ડ સહિતની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.કે. વાઘેલાએ જણાવ્યું કે, આરોપી શૈલેષભાઈ ઉધાડ ડાયાલિસિસ પર નિર્ભર હોવાથી તેને નિયમિત સારવારની જરૂૂર પડે છે. પોલીસ કસ્ટડી દરમિયાન પણ તેની સારવાર યથાવત રાખવામાં આવી રહી છે. આ કારણે મુદ્દામાલ સહિતની વધુ પૂછપરછમાં અડચણ આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *