કોડીનારમાં 10 વર્ષથી બંધ સ્ટેશનમાં દીપડાના આંટાફેરા

કોડીનાર શહેરના વિકાસની ગાડી ભલે પાટા પર દોડતી હોય, પરંતુ શહેરની મધ્યમાં આવેલું રેલવે સ્ટેશન આજે શહેર માટે સૌથી મોટું જોખમ બની ગયું છે. ગાયકવાડ…

કોડીનાર શહેરના વિકાસની ગાડી ભલે પાટા પર દોડતી હોય, પરંતુ શહેરની મધ્યમાં આવેલું રેલવે સ્ટેશન આજે શહેર માટે સૌથી મોટું જોખમ બની ગયું છે. ગાયકવાડ સરકારના સમયથી કાર્યરત મીટરગેજ લાઈન બંધ થયાને આજે એક દાયકો વીતી ગયો છે. રેલવે તંત્ર દ્વારા નવું સ્ટેશન બનાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે, ત્યારે જૂનું સ્ટેશન અત્યારે રાની પશુઓ અને અસામાજિક તત્વોનું કાયમી સરનામું બની ચૂક્યું છે. સ્થાનિક રહીશોનો એક જ આક્રોશ છે: “તંત્ર ભલે ટ્રેન શરૂૂ ન કરે, પણ અમારો જીવ તો જોખમમાં ન મૂકે!”

રેલવે ટ્રેકની બંને બાજુએ અને સ્ટેશન પરિસરમાં આજે માણસ ડૂબી જાય તેટલા ઊંચા બાવળ અને કાંટાળી ઝાડીઓ ઉગી નીકળી છે. આ ગીચતા એટલી છે કે દિવસે પણ ત્યાં જવું જોખમી લાગે છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તાર દીપડાઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયો છે. થોડા સમય પહેલા જ રેલવે ક્વાર્ટર પાસે રહેતા એક પરિવારની માસૂમ દીકરીને હિંસક પશુએ ફાડી ખાધી હોવાની હૃદયદ્રાવક ઘટના બની હતી. તેમ છતાં રેલવે તંત્રની આંખ ઉઘડી નથી.

આ મામલે સૌથી વધુ વિલક્ષણ સ્થિતિ એ છે કે, જો કોઈ આ ઝાડીઓ સાફ કરવા તૈયાર થઈ તો પણ રેલવે વિભાગના કડક નિયમો આડે આવે છે. રેલવેની હદમાં પ્રવેશવું ગુનો ગણાતો હોવાથી લોકો ઈચ્છવા છતાં સફાઈ કરી શકતા નથી. એક તરફ રેલવે તંત્ર પોતે સફાઈ કરાવતું નથી અને બીજી તરફ જનતાને મંજૂરી આપતું નથી. આ સ્થિતિમાં આસપાસની 20 થી 25 સોસાયટીના હજારો લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
અઠવાડિયા પહેલા જ આ વિસ્તારમાંથી વન વિભાગે ભારે જહેમત બાદ દીપડો પાંજરે પૂર્યો હતો.તો અંધારું થતાં જ બંધ પડેલા ક્વાર્ટર્સ અને ઝાડીઓમાં અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે.ત્યારે લોકોની માંગ છે કે નવું સ્ટેશન બને ત્યાં સુધી જૂના સ્ટેશનની ઝાડીઓ તાકીદે દૂર કરવામાં આવે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, શહેરની મધ્યમાં રહેવા છતાં તેઓ જંગલ જેવો અનુભવ કરી રહ્યા છે. રાત્રિના સમયે આ વિસ્તારમાંથી પસાર થવું જીવના જોખમ સમાન છે. જો આગામી દિવસોમાં રેલવે તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સફાઈ ના મુદ્દે જનતા ઉગ્ર આંદોલન છેડવાની તૈયારી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *