ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં કડિયા કામ કરતા અનુસૂચિત જ્ઞાતિના એક યુવકે સમારકામ બાબતે મહિલા સરપંચના પતિને કરેલી ફરિયાદનો ખાર રાખી યુવકને જ્ઞાતિસૂચક અપમાન કરી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પાટણવાવ પોલીસ મથકે છત્રાસા ગામના સરપંચના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ દફતરે નોંધાયેલી વિગતો અનુસાર, કડિયાકામ કરતા અશ્વિનભાઈ જીવનભાઈ રાઠોડે કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના ઘર પાસે જેસીબી મશીન કામ કરતું હોવાથી તેમના ઘરની સંડાસ-બાથરૂૂમની પાઇપલાઇન તૂટી ગઈ હતી. આ બાબતની જાણ કરવા અને સ્થળ નિરીક્ષણ કરાવવા માટે અશ્વિનભાઈએ ગામના સરપંચના પતિ શક્તિસિંહ નિરૂૂભા સરવૈયાને વિનંતી કરી હતી. જોકે, આ બાબતે ઉશ્કેરાઈ જઈને સરપંચના પતિએ ’આ કામ મારામાં આવતું નથી’ તેમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે ગામના બસ સ્ટેશન નજીક આરોપીએ ફરિયાદીને રોકી, ગાળો ભાંડી “તું મને કેમ ટોર્ચર કરે છે?” તેમ કહીને માર માર્યો હતો.
હુમલા દરમિયાન આરોપી શક્તિસિંહે ફરિયાદી અશ્વિનભાઈને થપ્પડ મારી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાથી આઘાતમાં સરી પડેલા ફરિયાદીએ વાડીએ જઈ જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. અને તેમને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ચકચારી ઘટના અંગે પાટણવાવ પોલીસે ગુનો નોંધી આ સંવેદનશીલ મામલાની ઊંડાણપૂર્વકની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રીજીતા સાંકળચંદ પટેલને સોંપવામાં આવી છે.
