પડધરી તાલુકાના ઈશ્વરીયાથી ન્યારા ગામ જવાના રસ્તે તાજેતરમાં બનેલી રૂૂ. 72,300ની સનસનાટીભરી લૂંટની ઘટનામાં રાજકોટ ગ્રામ્ય એલસીબી એ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ઊંડાણપૂર્વક અને ટેકનિકલ તપાસ હાથ ધરીને લૂંટનો આ બનાવ સંપૂર્ણપણે બનાવટી હોવાનું ખુલ્લું પાડ્યું છે. પૈસાની ભીંસ અને લેણદારોના તગાડાથી બચવા માટે ફરિયાદીએ પોતે જ આખી લૂંટનું નાટક રચ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
બનાવની વિગત મુજબ, ન્યારા ગામના રહેવાસી 36 વર્ષીય મોતીભાઈ ઉર્ફે જબો હેમતભાઈ ચાવડીયા (ભરવાડ) એ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, ગત તારીખ 12/10/2026ના રોજ રાત્રિના આશરે દશેક વાગ્યાના અરસામાં તેઓ પોતાની મારુતિ સુઝુકી કેરી ગાડી (નંબર GJ-03-BZ-4884) લઈને જેતપુર ખાતે ભાડું ખાલી કરીને પરત ન્યારા ગામ આવી રહ્યા હતા.
ઈશ્વરીયાથી ન્યારા રોડ પર જી.એમ. કારખાનાના પાટીયા પાસે બે મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી ન રોકતાં ડ્રાઈવર સાઈડનો કાચ તોડી પાડી, આંખમાં સ્પ્રે છાંટી તથા ઢીકાપાટુનો મૂઢમાર મારીને ખિસ્સામાંથી રોકડા રૂૂ. 9,800, રૂૂ. 60,000 ની કિંમતનું ચાંદીનું કડું તથા રૂૂ. 2,500 ની કિંમતની ચાંદીની વીંટી મળી કુલ રૂૂ. 72,300 ની મત્તા લૂંટી પલાયન થઈ ગયા હોવાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ જે.પી.રાવ તથા તેમની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન ફરિયાદી મોતીભાઈ ચાવડીયાની નિવેદનોમાં શંકા જતાં એલસીબી ટીમે તેમની ઊંડાણપૂર્વક અને યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી. આકરી પૂછપરછમાં મોતીભાઈ ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે તેમણે જ પરિવારની જાણ બહાર ઉછીના પૈસા લીધા હતા. લેણદારોને પૈસા ચૂકવવાનું દબાણ હોવાથી તેમણે લૂંટનો આ ખોટો પ્લાન બનાવ્યો હતો.
