જામનગર જેલમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. જેલમાં બંધ આરોપીઓને મળવા માટે રાજકોટથી એક ગેંગ આવી હતી, અને સ્થાનિક તંત્રના કોઈપણ રજીસ્ટરમાં એન્ટ્રી વગર તેઓએ મુલાકાત કરી હતી, જેના કારણે જેલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ જેલની અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સુરક્ષામાં રહેલી ખામીઓને ઉજાગર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેલમાં કેદીઓ બેફામ બની રહ્યા છે અને બહારથી આવતા માથાભારે તત્વો પણ સરળતાથી ઘૂસણખોરી કરી રહ્યા છે, જેના કારણે જેલની અંદર મુલાકાતીઓના મુજરા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને તેઓ શહેરની સુરક્ષા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
લોકોનું માનવું છે કે જો જેલની અંદર બહારના માથાભારે તત્વો સરળતાથી ઘૂસી શકતા હોય તો, ઉગ્રવાદીઓ પણ શહેરમાં ઘૂસતા વાર નહીં લાગે. આ ઘટનાએ જામનગર શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે આ ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક પગલાં લેવાની જરૂૂર છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને શહેરની સુરક્ષા જળવાઈ રહે. લોકોની માંગ છે કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.જામનગર જિલ્લા જેલ સમયાંતરે વિવાદોના વમળમાં ફસાતી રહી છે, તાજેતરમાં, જેલમાં બંધ કેદીઓ સાથે ગેરકાયદે મુલાકાત ગોઠવવાનું વિવાદી પ્રકરણ સામે આવતા, જેલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનામાં, જેલર એમ.એન. જાડેજાની ભૂમિકા શંકાસ્પદ જણાતા, તેમની તાત્કાલિક અસરથી રાજપીપળા ખાતે બદલી કરવામાં આવી છે.
ગત તા. 31-1-2025ના રોજ, રીબડાના અનિરૂૂદ્ધસિંહ જાડેજા, રાજકોટના ભૂપત ભરવાડ અને એક અન્ય શખ્સ જામનગર જિલ્લા જેલમાં પ્રવેશ્યા હતા. તેઓએ જેલમાં બંધ રજાક અને યશપાલસિંહ નામના કેદીઓ સાથે મુલાકાત કરી હતી. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી, જેમાં જેલના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી. ફૂટેજમાં આ ત્રણેય શખ્સો જેલમાં પ્રવેશતા અને જેલરની ચેમ્બરમાં કેદીઓ સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા.તપાસમાં જાણવા મળ્યું કે, જેલર એમ.એન. જાડેજાએ ગેરકાયદેસર રીતે આ મુલાકાત ગોઠવી હતી. તેમણે કેદીઓને બેરેકમાંથી બહાર કાઢીને મુલાકાતીઓ સાથે મુલાકાત કરાવી હતી. આ મુલાકાતની કોઈ નોંધ જેલના રજીસ્ટરમાં કરવામાં આવી ન હતી. જેલના એક કર્મચારીએ આ મુલાકાતીઓને બહાર સુધી લેવા માટે મદદ કરી હતી.આ ગેરકાયદે મુલાકાત મામલે જિલ્લા પોલીસ વડાએ રાજ્યના ગૃહ વિભાગને રિપોર્ટ મોકલ્યો હતો.
રિપોર્ટના આધારે, જેલર એમ.એન. જાડેજાની રાજપીપળા ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, દિવ્યરાજસિંહ જાડેજાની અમરેલી ઓપન જેલમાં બદલી કરવામાં આવી છે. આ પ્રકરણમાં હજુ પણ કેટલાક આકરા પગલાં લેવાની શક્યતા છે.જેલર એમ.એન. જાડેજાએ પોતાની બચાવમાં રાજ્યના જેલવડાને પત્ર લખીને ખુલાસો કર્યો હતો કે, અનિરૂૂદ્ધસિંહ જાડેજા અને ભૂપત ભરવાડ રક્તદાન કેમ્પનું નિમંત્રણ આપવા માટે આવ્યા હતા. જો કે, સીસીટીવી ફૂટેજમાં તેમની આ દલીલ ખોટી સાબિત થઈ હતી.આ ઘટનાથી જામનગર જેલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જો બહારથી માથાભારે તત્વો જેલમાં ઘૂસણખોરી કરી શકતા હોય, તો ઉગ્રવાદીઓ પણ સરળતાથી ઘૂસી શકે છે, તેવી ચિંતા લોકોમાં જોવા મળી રહી છે. લોકો શહેરની સુરક્ષા સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.હાલમાં, પાલનપુરથી વી.પી. ગોહિલને જામનગર જેલના નવા જેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂૂરી પગલાં લઈ રહી છે.