ભારતે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પડી દીધા બાદ વિવાદ વધુ ઘેરો બન્યો હતો, ભારતે ICCમાં આ અંગે ફરિયાદ કરી છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી એશિયા કપ ટુર્નામેન્ટથી ભારે ચર્ચામાં છે. એશિયા કપ જીત્યા પછી પણ ભારતને ટ્રોફી મળી નથી. ત્યારે હવે મોહસિન નકવીએ હદ પાર કરી નાખી છે. તેણે ફરી એક જ રાગ આલાપતા કહ્યું કે, ભારત ટી20 એશિયા કપ 2025ની ટ્રોફી ઇચ્છે છે, તો તેને આ ટ્રોફી દુબઈમાં તેની પાસેથી લેવી પડશે. મોહસિન નકવીએ ટેલિકોમ એશિયા સ્પોર્ટ્સ સાથે વાતચીતમાં કહ્યું, ટ્રોફી સોંપવાને લઈને યથાસ્થિતિ બનેલી છે. જો ભારત ટ્રોફી ઇચ્છે છે, તો તેને પોતાના કેપ્ટનને દુબઈ મોકલવો પડશે અને મારા હાથે ટ્રોફી લેવી પડશે. ભારતે 28 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં રમાયેલી એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાન સામે 5 વિકેટથી જીત નોંધાવી હતી. ખિતાબી જીત બાદ પ્રેઝેન્ટેશન સેરેમની દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાથી ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ ટ્રોફી હજુ પણ એશિયન ક્રિકેટ કાઉન્સિલની દુબઈ સ્થિત ઓફિસમાં રાખી છે. નકવીએ દાવો કર્યો છે કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ટ્રોફી સોંપવાનો અધિકાર તેનો જ છે.
તેની સાથે જ નકવીએ કહ્યું કે, પાકિસ્તાન જુનિયર એશિયા કપમાં ભારતીય અંડર 19 ખેલાડીઓના ખરાબ વર્તનને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પાસે ફરિયાદ કરશે. ટેલિકોમ એશિયા સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં નકવીએ કહ્યું, અમે આઈસીસીને એક પત્ર લખીને જુનિયર એશિયા કપની ફાઈનલ દરમિયાન ભારતીય જુનિયર ખેલાડીઓના વર્તન વિશે ફરિયાદ કરશે, જે સ્વીકાર્ય નહોતું.
ભારતના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપમાં ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે હેન્ડશેક કર્યો નહોતો, ત્યાર બાદ વિવાદ વધી ગયો. નકવીએ કહ્યું કે, ભારત સાથે કોઈ સમાધાન નહીં થાય અને જો તેઓ અમારા ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માગતા નથી, તો બધું બરાબરીના આધાર પર થશે. આ મામલે નકવીએ કહ્યું, જો ભારત પોતાના ખેલાડીઓને અમારા ખેલાડી સાથે હાથ મિલાવવાની મંજૂરી આપતું નથી, અમે પણ કોઈ સમાધાન માટે તૈયાર નથી. અમને તેઓ સાથે હાથ મિલાવવામાં કોઈ રસ નથી.
