પશ્ચિમ બંગાળમાં યોજાનારી પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પ્રતીકની ફાળવણીને લઈને મોટો કાનૂની વિવાદ ઊભો થયો છે. કલકત્તા હાઈકોર્ટે ચૂંટણી પંચની ભૂમિકા સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં કડક ટિપ્પણી કરી છે કે, જો ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા કોઈ ખાનગી રાજકીય પક્ષના નિર્દેશો કે ઈશારા પર કામ કરવા લાગશે, તો પછી મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામાં બચશે શું? ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર લંબાણપૂર્વક સુનાવણી પૂર્ણ કર્યા બાદ કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણા રાવે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
આ વિવાદની શરૂૂઆત ત્યારે થઈ જ્યારે ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) પાસે અગાઉની વિધાનસભા ચૂંટણીમાં રહેલું ’એન્વલપ’ એટલે કે પરબીડિયું પ્રતીક પેટાચૂંટણીમાં ફાળવવાને બદલે ચૂંટણી પંચે તે ડેમોક્રેટિક તૃણમૂલને ફાળવી દીધું હતું અને ISF ને તેના બદલે ’અલમારી’ એટલે કે તિજોરી પ્રતીક સોંપવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના વકીલ જીષ્ણુ ચૌધરીએ અદાલતમાં બચાવ કરતાં દલીલ કરી હતી કે ’એન્વલપ’ એ માન્યતા વગરના નોંધાયેલા રાજકીય પક્ષ માટે એક સામાન્ય પ્રતીક તરીકે માત્ર મૂળ વિધાનસભા ચૂંટણી માટે જ ફાળવવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પેટાચૂંટણી એ સામાન્ય ચૂંટણીનું ચાલુ રૂૂપ નથી, અને પ્રતીકની આખરી ફાળવણી કરવી એ ચૂંટણી પંચનો સંપૂર્ણ વિવેકાધિકાર છે.
બીજી તરફ, ISF તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ બિકાશ રંજન ભટ્ટાચાર્યએ ચૂંટણી પંચના આ નિર્ણયને ગેરકાનૂની, પક્ષપાતી અને સરમુખત્યારશાહીપૂર્ણ ગણાવ્યો હતો. કલકત્તા હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ અને ડેમોક્રેટિક તૃણમૂલ વચ્ચેની મિલીભગત અને પત્રવ્યવહારની રીત સામે ગંભીર શંકા વ્યક્ત કરી હતી. દરમિયાન નંદીગ્રામ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને હાઇકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. તેમણે 21 ઓકટોબરે સરેન્ડર કરવું પડશે.
