ગુજરાતના રાજકારણમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો રાજકીય દાવ ખેલાય તેવા નિર્દોશો મળે છે. ગુજરાતના રાજકારણના અઠંગ ખેલાડી 86 વર્ષના શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસનો હાથ પકડી નવી રાજકીય ઇનિંગ શરૂ કરે તેવા ‘ચોગઠા’ ગોઠવાઇ રહ્યા છે અને જો બધુ સમુ સુતર ચાલ્યુ તો પ્રથમ નોરતે જ ધડાકો થઇ શકે છે.
કોંગ્રેસના સુત્રોના કહેવા મુજબ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સમયે જ બાપુને ફરી કોંગ્રેસમાં લાવવા એક જૂથ આકાશ-પાતાળ એક કરી રહ્યુ છે. જો કે, કોંગ્રેસના ધણા સિનિયર નેતાઓ બાપુને ફરી લાવવાના વિરોધમાં છે પરંતુ ‘રાજકારણમાં કયારેય કોઇ દુશ્મન હોતો નથી’ તે કહેવત મુજબ ગમે તે થઇ શકે છે. કોંગ્રેસનું હાઇકમાન્ડ અને રાહુલ ગાંધી લીલીઝંડી આપે તો શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં ‘બેટિંગ’ કરતા જોાવ મળી શકે છે. ખુદ શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસમાં ઘરવાપસીની વાત ચાલી રહ્યાનું સ્વીકાર્યુ હતું.
ગુજરાતની રાજનીતિમાં એક સમયે મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પર રહી ચૂકેલા કદાવર નેતા શંકરસિંહ વાઘેલાને લઈને ફરી એકવાર રાજકીય ચર્ચા તેજ બની છે. 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ જૂના અને અનુભવી નેતાઓને ફરી સંગઠન સાથે જોડવાની કવાયત કરી રહી હોવાની ચર્ચા વચ્ચે વાઘેલાની સંભવિત કોંગ્રેસમાં ઘરવાપસીનો મુદ્દો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી રણદીપ સુરજેવાલાની ભૂમિકા મહત્વની હોવાનું માનવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા નિમાયેલાં પ્રભારી રણદીપ સુરજેવાલા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી સતત ટેલિફોનિક સંપર્ક ચાલી રહ્યો છે. જોકે, વાઘેલા કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ રહ્યા છે કે નહીં અને તેમને કોઈ જવાબદારી આપવામાં આવશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય હજુ બાકી છે. ખાસ કરીને કોંગ્રેસ હાઈકમાન્ડ અને એમાંય વિશેષરૂૂપે રાહુલ ગાંધીની મંજૂરી બાદ જ આ મામલે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
એવી પણ માહિતી સામે આવી છેકે, સુરજેવાલા મારફતે શંકરસિંહે રાહુલ ગાંધીને મળવાની અને તેમની સાથે બેઠક કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે રણદીપ સુરજેવાલા બાપુ અને રાહુલ ગાંધી વચ્ચે મીટીંગ ફિક્સ કરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. નજીકના સમયમાં કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી ખાસ કરીને રાહુલ ગાંધી તરફથી આ મુદ્દે ગ્રીન સિગ્નલ મળી શકે છે. આ પોલિટિકલ મેચ ફિક્સિંગ માટે ટૂંક સમયમાં રણદીપ સુરજેવાલા શંકરસિંહ વાઘેલાને લઈને દિલ્હી ખાતે રાહુલ ગાંધી સાથે બેઠક કરી શકે છે. ઉલ્લેખનીય છેકે, સપ્ટેમ્બર 2026માં વાઘેલાએ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસમાં જોડાવાની વાત હવે આગળ વધી નથી અને તેઓ પોતાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે 2027ની ચૂંટણી લડવાની તૈયારીમાં છે.
ગુજરાત રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી અંગે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા સકારાત્મક વિચારણા શરૂૂ કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે દેશમાં ભાજપ વિરોધી માહોલ વચ્ચે આવી વિચારધારા ધરાવતા તમામનું પક્ષમાં સ્વાગત છે. આ તરફ પાટણના કોંગ્રેસ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પણ બાપુના આવવાથી પાર્ટીને ફાયદો થવાની વાત સ્વીકારી હતી, જોકે તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં તેમનાથી નુકસાન પણ થયું હતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ શંકરસિંહે નવી પાર્ટી સ્થાપવાની જાહેરાત કરી હતી, જેથી તેમના કોંગ્રેસ પ્રવેશ અંગે રાજકીય ગરમાવો વધી ગયો છે.
બીજી ઓકટોબરે બાપુના સંમેલન ઉપર નજર
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી અને 2 ઓક્ટોબરના પ્રજાકીય સંમેલનને ધ્યાનમાં રાખીને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ફરી કોંગ્રેસમાં લાવવાની રાજકીય અટકળોએ જોર પકડ્યું છે. ત્યારે ગાંધીનગરમાં 2 ઓક્ટોબરે યોજાનારા બાપુના કાર્યક્રમ પર તમામની નજર મંડાયેલી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય અથવા ચૂંટણીમાં કોઈ પ્રકારનું રાજકીય સમર્થન આપે, તો તે અંગે ગાંધીજયંતિએ જાહેરાત કરી શકે છે.
ઘણા લોકો કોંગ્રેસમાં જોડાશે, પાર્ટી મર્જ કરવાનો નિર્ણય બાપુ લેશે : ચાવડા
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલાના સંભવિત કોંગ્રેસ પ્રવેશ અંગે નિવેદન આપ્યું છે. ચાવડાના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઘણા લોકો કોંગ્રેસ સાથે જોડાવા માટે તૈયાર છે અને આગામી સમયમાં અન્ય નેતાઓ પણ કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટીને કોંગ્રેસમાં મર્જ કરવી કે નહીં તેનો નિર્ણય તેઓ પોતે લેશે. તેમણે ભાજપ પર પણ નિશાન સાધતા કહ્યું કે ભાજપની નીતિઓથી કંટાળેલા લોકો કોંગ્રેસ તરફ આવવા તૈયાર છે. ચાવડાએ દાવો કર્યો કે આગામી સમયમાં ભાજપના અનેક નેતાઓ પણ પક્ષ છોડીને બહાર આવી શકે છે.
