મોરબી જિલ્લા ખેડૂત એકતા સમિતિ દ્વારા રવાપર ખાતે આયોજિત ખેડૂત મહાસભા સંપન્ન થઈ છે. આ મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય નેતાઓ રાકેશ ટીકૈત અને યુધવીરસિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વન નેશન, વન આંદોલનની જાહેરાત કરીને એલાન કર્યું હતું કે જો હવે ગુજરાતમાં ખેડૂતો ઉપર લાઠી ચલાવાશે તો બીજા રાજ્યમાં પણ તેના પડધા પડશે અને પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓનો ઘેરાવ કરાશે.
સભામાં સરકાર પર પ્રહારો કરતા રાકેશ ટીકૈતે જણાવ્યું કે જ્યારે દેશમાં એક કરન્સી ચાલે છે અને ’વન નેશન, વન ઇલેક્શન’ની વાતો થાય છે, તો હવે ખેડૂતો પણ વન નેશન, વન આંદોલનની દિશામાં આગળ વધશે. દેશના દરેક ખૂણે ખેડૂતો, ગામડાં અને યુવાનોના મુદ્દા એક જ છે, તેથી તમામ આંદોલનકારીઓએ એકમંચ પર આવીને લડત આપવી પડશે. જો મોરબી કે ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ કે દમન કરવામાં આવશે, તો તે જ દિવસે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં ખેડૂતો કલેક્ટર, એસએસપી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોનો ઘેરાવ કરશે.
ભારતીય કિસાન યુનિયનના નેતા યુધવીરસિંહે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય કિસાન યુનિયન દ્વારા ખેડૂતોની સમસ્યાઓ અંગે જાગરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 35 વર્ષથી એવી છાપ ઊભી થઈ હતી કે ગુજરાતનો ખેડૂત શાંત છે અને સૂઈ રહ્યો છે, પરંતુ મોરબીમાં ખેડૂતોની જાગૃતતા જોઈને સ્પષ્ટ થાય છે કે ગુજરાતે હવે અંગડાઈ લીધી છે અને ક્રાંતિનો આગાઝ થઈ ચૂક્યો છે જેને હવે કોઈ રોકી શકશે નહીં.
ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા યુધવીરસિંઘે કહ્યું હતું કે ખેડૂત પરિવાર 24 કલાકમાંથી 18 કલાક સખત મહેનત કરે છે. સવારે 4 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી ખેતરમાં અને પશુપાલનમાં આખો પરિવાર જોતરાયેલો રહે છે, છતાં તેઓ બેંક અને સાહુકારોના કરજમાં ડૂબેલા રહે છે. તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂૂપિયા આપીને મૂર્ખ બનાવી રહી છે, જ્યારે હકીકતમાં ખેડૂતોના 60 લાખ કરોડ રૂૂપિયા એમએસપી પેટે સરકાર પાસે બાકી નીકળે છે.
ખેતરોમાંથી પસાર થતી વીજ ટાવર લાઈનો અંગે યુધવીરસિંઘે સ્પષ્ટ કર્યું હતું કે આ લાઈનો જાહેર હિત માટે નથી, પરંતુ અદાણી દ્વારા વીજળીનો વેપાર કરવા અને બાંગ્લાદેશ કે અન્ય દેશોમાં વીજળી મોકલવા માટે નાખવામાં આવી રહી છે. તેમણે સરકારની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો આ ખાનગી વેપાર હોય તો સરકાર કોઈ કંપનીની કમિશન એજન્ટ હોય તેવું વર્તન કેમ કરી રહી છે.
આ વિશાળ ખેડુત મહાસભાનું સફળ સંચાલન મનોજભાઈ પનારાએ કર્યું હતું. આ મહા સભામાં જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયા, કોંગ્રેસ આગેવાનો, નયનભાઈ અઘારા, મુકેશભાઈ ઞામી સહિત મોરબી સહિત આસપાસના તાલુકાના મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા મહાસભા વિશાળ સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી.
