ભાવનગર જિલ્લાના મહુવા નજીક નેશનલ હાઇવે પર આવેલા એક અનાજના ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે મામલતદાર ટીમ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્તપણે સરપ્રાઇઝ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનની અંદરથી મોટા પ્રમાણમાં સરકારી કે ગેરકાયદે રાખવામાં આવેલો અનાજનો વિશાળ જથ્થો મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન અધિકારીઓ દ્વારા અંદાજે રૂૂ. 20,99,845 ની કિંમતનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તપાસ ટીમે ગોડાઉનની ઝીણવટભરી તપાસ હાથ ધરતાં સ્થળ પરથી 32,491 કિલો ઘઉં તેમજ 8,400 કિલો ચોખા મળી આવ્યા હતા. આ ઉપરાંત મોટા પ્રમાણમાં બાજરી, ચણા અને તુવેર દાળ સહિતની વિવિધ કઠોળ અને અનાજનો જથ્થો પણ ગેરકાયદેસર રીતે સંગ્રહાયેલો મળી આવ્યો હતો. અનાજના આ વિશાળ જથ્થા ઉપરાંત, શંકાસ્પદ હેરફેર માટે વપરાતા અથવા ઉપયોગમાં લેવાના હેતુથી રાખવામાં આવેલા ત્રણ વાહનોને પણ સ્થળ પરથી સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
હાલ મામલતદાર અને પોલીસની ટીમે અનાજ સહિત સમગ્ર ગોડાઉનને સીલ કરી દીધું છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં કાયદાકીય તપાસ તેજ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાએથી આ મામલે આગળની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ શખ્સો સામે કડક કાર્યવાહી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
