આવા ગુજરાતની કલ્પના ન હતી, દીકરીઓ પર અત્યાચાર ગુજારી તેમાં પણ રાજકીય રોટલા શેકવાના ધંધા ખીલ્યા છે: ભાજપના દિગ્ગજ મહિલા નેતાનો આક્રોશ
ગુજરાત ભાજપના દિગ્ગજ મહિલા નેતાએ પોતાની જ પાર્ટી પર આકરા પ્રહાર કરતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. નરેન્દ્ર મોદીએ જેને માતાનો દરજ્જો આપ્યો છે તેવા હેમાબેન આચાર્યએ ગુજરાતમાં દીકરીઓની અસલામતીને લઈને પોતાની વેદના વ્યક્ત કરી છે. હેમાબેને પાયલ ગોટી, દાહોદની આદિવાસી મહિલા સાથે બનેલી ઘટના અંગે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, અમે ક્યારેય આવા ગુજરાતની કલ્પના નહતી કરી. દીકરીઓ પર અત્યાચાર ગુજારી અને તેમાં પણ રાજકારણ રોટલા શેકવાના ધંધાઓ ખીલી ઉઠ્યાં છેથ હેમાબેન આચાર્યએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, નારી સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાઓ સલમાત નથી રહી. રાજકારણમાં મહિલાઓ અને યુવતીઓનો ભોગ લેવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ ગંભીર ઘટના છે.
પાયલ ગોટી વિશે વાત કરતાં હેમાબેને કહ્યું કે, નેતાઓના પાપે અને અંદરોઅંદરના ઝઘડામાં એક દીકરીનો આવી રીતે ભોગ લેવાયો, તે દીકરીની માનસિક સ્થિતિનો તો વિચાર કરો, તેના મા-બાપનું શું થતું હશે ? જો મારા જેવી માં હોય તો હું તેને મારી નાખું પછી મારૂૂ જે થવું હોય તે થાય. ખરા અર્થમાં કોઈપણ સમાજની દીકરી હોય ત્યારે જ્ઞાતિને બદલે સમગ્ર સમાજે એક થઈ અવાજ ઉઠાવવો જરૂૂરી બન્યો છે. હાલના સંજોગોમાં રસ્તા પર કે ઘરમાં ક્યાંય દીકરા કે દીકરીઓ સલામત રહ્યા નથી. ગુજરાતમાં રોજ નવી-નવી ગેંગ બની રહી છે.
ગુજરાતની સ્થિતિ વિશે દુ:ખ વ્યક્ત કરતાં હેમાબેને કહ્યું કે, આવા ગુજરાત અને દેશની કદી કલ્પના પણ કરી ન હતી કે જ્યાં નકલી અધિકારી, નકલી નેતા, નકલી કોર્ટ હાલના સંજોગોમાં આવું બઘુ જોઈ હૃદય દ્રવી ઉઠે છે. તંત્ર પર નેતાઓનો કોઈ કંટ્રોલ રહ્યો નથી અને જો કંટ્રોલ હોય તો નેતાઓની ઈચ્છાશક્તિ નથી. બધી પાર્ટીઓ સામસામે ચૂંટણી લડવાને બદલે અંદરોઅંદરની લડાઈમાં વ્યસ્ત બન્યા છે. નવા કાયદાઓ બનાવવાને બદલે જે છે તેની અમલવારી સારી રીતે થાય તે જરૂૂરી છે.
કાયદા બનાવવાની જેની જવાબદારી છે તે ધારાસભ્ય, સંસદ સભ્ય ગુનેગાર જ બની ગયા છે તો તેની પાસે શું સારા કાયદાની અપેક્ષા રાખી શકાય?જનતા જ સર્વોપરી છે તેનું કીઘુ થાય, તેના કામ થાય તો જ તે સર્વોપરી ગણાય. હાલની સ્થિતિમાં લોકો આવી નીતિનો વિરોધ નથી કરતા તેનું મુખ્ય કારણ છે કે, માણસને તેમના બે છેડા ભેગા કરવા અઘરા બની ગયા છે. ગરીબ વધુ ગરીબ થઈ રહ્યો છે, પૈસાવાળો વધુ તવંગર થઈ રહ્યો છે. આ બંને વચ્ચે મોટી ખાઈ ઉભી થઈ રહી છે જે સ્થિતિ આવનારા સમય માટે જોખમી છે.
અમરેલી પાટીદાર દીકરીનો મુદ્દો રાજયસભામાં ગુંજ્યો
અમરેલીની પાટીદાર દિકરી પાયલને અન્યાય અને સુરતમાં હીરા ઉદ્યોગમાં કારમી મંદિનો પડધો રાજયસભામાં પણ જોવા મળ્યો છે.દિલ્હીમાં અત્યારે સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ બજેટ સત્રમાં ગુજરાતના સાંસદો પણ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. સંસદમાં હાલ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારે સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાતની સમસ્યાઓને રાજ્યસભામાં ઉઠાવી હતી. શક્તિસિંહ ગોહિલે અમરેલીની પાટીદાર દીકરી સાથે અન્યાય અને સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદીને લઈને પોતાની વાત રજુ કરી હતી. તેમણે જણાવેલ કે, સરકાર મહિલા સન્માનની વાત કરે છે. હ્યુમન રાઈટ કમિશન દ્વારા હમણાં સંજ્ઞાન લીધું કે, અમરેલીમાં પાટીદાર દીકરી નું સરઘસ કાઢવામાં આવ્યું છે. દીકરીને પટ્ટાથી માર મારવામાં આવે છે. દીકરીની ભૂલ એટલી જ હતી કે તે ટાઈપ રાઇટરનું કામ કરતી હતી, ભાજપના બે કદાવર નેતાઓની લડાઈમાં તેણે પત્ર ટાઈપ કર્યો તે, તેનો ગુનો બની ગયો. તેમાના એક સાંસદ પણ રહી ગયેલા છે.