માવઠાથી થયેલ નુકસાનનું વળતર, વ્યાજમાફી, જમીન માપણી, ખેત પેદાશોના ભાવ, મગફળીની ટેકાના ભાવ મુદ્દે કાલે બોટાદમાં ખેડૂત સંમેલન યોજાશે
રાજ્યભરમાં ગામડાઓમાં મંત્રીઓને પ્રવેશબંધી કરાવા રણનીતિ ઘડાઇ, તાલુકે-તાલુકે અને ગામડે-ગામડે કિસાન પંચાયત બોલાવાશે
કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિક આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ તકે નવા વર્ષની શરૂૂઆતમાં કોંગ્રેસના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટમાં આજે સાંજે જનઆક્રોશ સભા, બોટાદમાં આવતીકાલે ખેડૂત સંમેલન સહિતના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોને તાત્કાલિક વળતર આપવાની સાથે ટીઆરપી કાંડનાં પીડિતોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજકોટમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે. સરકાર પર આકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે, માવઠા અને અતિવૃષ્ટિના કારણે જગતના તાતની સ્થિતિ દયનીય બની છે અને ખેતરોમાં પાણી ભરાવાથી તૈયાર પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. સરકાર ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખવાના બદલે અલગ વલણ અપનાવી રહી છે અને ખેડૂતોની સ્થિતિથી ગંભીર નથી. ખેડૂતો ખાતર, જમીન માપણી, ભાવ અને વીજળી સહિતના મુદ્દે હેરાન પરેશાન છે, વળી સહકારી માળખાં દ્વારા ભાજપ પ્રેરિત નેટવર્ક ખેડૂતોને લૂંટી રહ્યું છે. ખેડૂતો જ્યારે ઓપન માર્કેટમાં પાક વેચવા જાય છે, ત્યારે તેમને પૂરતા ભાવ મળતા નથી અને વચેટિયાઓ કમિશન વસૂલે છે.
કોંગ્રેસ દ્વારા આ તમામ મુદ્દાઓને લઈને ખેડૂતોનો જે આક્રોશ છે, તેને વાચા આપવા માટે આવતીકાલે બોટાદ ખાતે ખેડૂતોનું મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. અમિત ચાવડાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો સરકાર તાત્કાલિક ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે અને મદદ કરવા આગળ નહીં આવે, તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તાલુકે-તાલુકે, ગામે-ગામ કિસાન પંચાયત બોલાવીને આંદોલનલક્ષી કાર્યક્રમો કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો સરકાર ખેડૂતની વાત નહીં સાંભળે તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે અને પ્રજાના પૈસે ઉત્સવો કરનારા તમામ મંત્રીઓનો ખેડૂતો સાથે મળીને કોંગ્રેસ પક્ષ ઘેરાવો કરશે. ખેડૂતોને હક અને અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ લડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે તાત્કાલિક ધોરણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વે કરાવવાની અને સ્પેશ્યલ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. ઉપરાંત, ખેડૂતોનું 1 વર્ષનું સંપૂર્ણ બેન્ક ધિરાણ માફ કરવા, રાજ્યમાં પાક વીમા યોજના તાત્કાલિક શરૂૂ કરવા અને જમીન ધોવાણ માટેનું વળતર જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે. મગફળીના ઉત્પાદન અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારે 9 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પ્રતિ ખેડૂત માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે, જે અપૂરતી છે. કોંગ્રેસની માંગ છે કે સરકારે ઓછામાં ઓછી 300 મણ મગફળી પ્રતિ ખેડૂત ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરવી જોઈએ અને તે માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ. ત્યારે સરકાર દ્વારા આ મામલે ક્યારે અને કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
વરસાદમાં મગફળી નહીં પણ ખેડૂતાના જીવ તણાઇ રહ્યા છે : વસોયા
પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયાએ પણ ખેડૂતોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. લલિત કગથરાએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ જે માવઠાની સ્થિતિ છે, તેનાથી મગફળીનો પાક ખરાબ થયો છે અને ચારાની આશા પણ ખરાબ થઈ છે. તેમણે તાત્કાલિક સહાય અને બંધ થયેલી પાક વીમા યોજના ફરી શરૂૂ કરવાની માંગ કરી હતી. લલિત વસોયાએ સૌરાષ્ટ્રના ખેડૂતો પર કુદરત રૂૂઠી હોવાનું જણાવીને કહ્યું હતું કે, વરસાદમાં જે તણાઈ રહ્યું છે તે મગફળી નહીં, પરંતુ ખેડૂતનો જીવ તણાઈ રહ્યો છે. તેમણે સર્વે નહીં પણ તાત્કાલિક સહાયની જરૂૂર હોવાનું જણાવ્યું હતું.
ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા શું માંગ કરાઇ ?
1. કમોસમી વરસાદથી થયેલ નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી યોગ્ય વળતર જાહેર કરવામાં આવે.
2. બેન્ક લોન પરનું વ્યાજ માફ કરવામાં આવે અને ખેડૂતોને નવી લોન માટે વિશેષ રાહત આપવામાં આવે
3. પાક વીમા કંપનીઓને જવાબદાર ઠેરવી વીમાધારક ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
4. ઘરો, પશુઓ તથા વાવણી સાધનોને થયેલા નુકસાન માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
ટીઆરપી ગેમઝોનના પીડિતો માટે કોંગ્રેસની માંગ
1. ટીઆરપી કાંડની ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે.
2. જવાબદાર અધિકારીઓ અને શાસકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂૂ થાય.
3. પીડિત પરિવારોને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે.
4. રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ વિજિલન્સ તપાસ શરૂૂ કરવામાં આવે
‘વિકાસ મોડેલ’ ગુજરાતમાં 381 ખેડૂતોની આત્મહત્યા: મુકુલ વાસનિક
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, ગુજરાતને વિકાસ મોડલ કહેવામાં આવે છે. પરંતુ હકીકતમાં 381 ખેડૂતોએ અહીં આત્મહત્યા કરી છે. તો સાથે જ ગુજરાતમાં પોલીસકર્મીઓની સંખ્યા ઓછી હોવાથી ક્રાઇમ પણ વધ્યા છે. કોંગ્રેસ દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. જેને લઈને આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ફરી કુંભકર્ણ નિંદ્રામાં સુતેલી સરકારને જગાડવા પ્રયાસ શરૂૂ કરવામાં આવશે. સરકાર દ્વારા ખેડૂતોને માવઠાથી થયેલ નુક્સાનનું વળતર આપવા સહિતની માંગ કરવામાં આવે તે માટે આવતીકાલે બોટાદમાં ખેડૂત સંમેલન બોલવાયું છે. તેમજ રાજકોટનાં લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આજે જનઆક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મુકુલ વાસનિક-ભૂપેન્દ્ર માલવીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું
આજરોજ તારીખ 27.10.25 રાજકોટ એરપોર્ટ પર રાજ્ય સભા મેમ્બર તથા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ ના મહામંત્રી મુકુલ વાસનીક તથા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ મંત્રી ભુપેન્દ્ર માલવીનું સ્વાગત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટ કાયઁકારી ચેરમેન મહેશભાઈ રાજપુત, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ એન એસ યુ પ્રમુખ નરેન્દ્ર સોલંકી વિગેરે આગેવાનોએ કરેલ.
