નિયમિત શાળાઓની મુલાકાત કરવા CRC, BRCને DEOની તાકીદ
રાજકોટ જિલ્લામાં બોગસ શાળાઓ સતત ઝડપાઇ રહી છે. વિદ્યાર્થીઓ આવતા નહીં હોવા છતાં પણ શાળાઓ શરૂ રાખવામાં આવી રહી છે. છાશવારે આવા બનાવ બનતા ચાર જેટલા કિસ્સા સામે આવતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એકશનમાં આવ્યા છે અને આ પ્રકારની ઘટના જે તાલુકામાં કે વિસ્તારમાં બનશે તે વિસ્તારના શિક્ષણ વિભાગના અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે અને પોતાના વિસ્તારની શાળાઓની નિયમિત રીતે ચકાસણી, વિઝિટ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
રાજકોટના પીપળિયા ગામની સીમમાં ગત જુલાઈ માસમાં ગૌરી પ્રિ-પ્રાઇમરી સ્કૂલ નામની આશરે 10 વર્ષથી ધમધમતી બોગસ શાળા પકડાઈ હતી. ત્યારબાદ તેના સંચાલક સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી. આ સ્કૂલમાંથી રાજકોટ શહેરની અન્ય 8 શાળાના પ્રમાણપત્રો પણ મળ્યા હતા. ત્યારબાદ શહેરના એસ.ટી વર્કશોપ પાછળ આવેલા ખોડિયારનગરમાં મધુવન નામની શાળામા ધોરણ 9-10ની મંજૂર નહીં હોવા છતાં બોગસ રીતે ચાલતી હોવાની ફરિયાદના આધારે ડીઈઓની ટીમ જ્યારે તપાસ કરવા ગઈ તો આ સ્કૂલનું ધો.1થી 4નું કોટડાસાંગાણી અને ધો.5થી 8નું શીતલપાર્ક પાસે મોચીનગરમાં સરનામું દર્શાવેલું છે, પરંતુ શાળા ખોડિયારનગરમાં ચાલતી હોવાનું કૌભાંડ ખુલ્યું હતું.
ધોરાજીના છાડવાવદરમા ગ્રાન્ટેડ શાળાનો પર્દાફાશ થયો હતો. ગામ લોકોની ફરિયાદ બાદ રાજકોટ ડીઈઓની ટીમે તપાસ કરતાં શાળામાં છેલ્લા ત્રણ મહિનાથી કોઈ વિદ્યાર્થી ભણવા આવ્યા જ ન હોવાનું અને શાળા બંધ હોવાનું સામે આવ્યું હતું. એવી જ રીતે વીંછિયા તાલુકામાં મોઢુકા ગામે 3 વર્ષથી બંધ ઓમ સત્યસાંઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 32 વિદ્યાર્થીના ફોર્મ બોર્ડની પરીક્ષા માટે ભરાતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ શાળાના વિદ્યાર્થીઓને નજીકની ક્રિષ્ના સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરી ભણાવવામાં આવતા હતા. જેથી આ સ્કૂલને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી છે.