ગાંધીગ્રામમાં રહેતાં આઇસ્ક્રીમની એજન્સી ધરાવતાં વૃધ્ધનું જામનગર રોડ પર નંદનવન સોસાયટી પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ વૃધ્ધ બેંકના કામ માટે નીકળ્યા ત્યારે તેમના ટુવ્હીલર સાથે બીજુ ટુવ્હીલર અથડાતાં આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામની રાજદીપ સોસાયટીમાં રહેતાં અને બાલાજી સેલ્સ એજન્સીના નામે આઇસ્ક્રીમની એજન્સી ચલાવતાં જયેશભાઈ પરમાનંદભાઈ રાજ્યગુરૂૂ (ઉં.વ.60) ગત તા. 7/2ના રોજ તેમનું બાઈક હંકારીને માધાપરથી બેંક ઓફ બરોડા જઈ રહ્યાં હતાં ત્યારે જામનગર રોડ પર નંદનવન બસ સ્ટેન્ડ રોડ પાસે અજાણ્યા બાઈક ચાલકે અકસ્માત સર્જતાં માથા-શરીરે ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન આજે સવારે તેમનું મળત્યુ નીપજતાં પરિવાર પર આભ ફાટી પડયું હતું.મૃત્યુ પામનારને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેઓ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. ગાંધીગ્રામ પોલીસે અકસ્માત સર્જનાર બાઇકચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
