રાજકોટના આઈસરના માલિક અને ટ્રાન્સપોર્ટર સાથે રૂા.28.13 લાખની છેતરપિંડીમાં ડ્રાઈવર-ક્લિનર સામે પોલીસ ફરિયાદ
જેતપુરના ટ્રાન્સપોર્ટર અને આઈસર માલિક સાથે રૂૂ.28.13 લાખનો છેતરપીંડીની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાઈ છે. જેતપુરના નવાગઢમાં “લાખણેચી કૃપા ટ્રાન્સપોર્ટ” ચલાવતા ટ્રાન્સપોર્ટર દ્વારા ગોંડલથી અમદાવાદ મોકલવામાં આવેલ રૂૂ.13.13 લાખનું સીંગતેલ અને 15 લાખની આઈસર ગાડી મળી કુલ 28.13 લાખનો મુદ્દામાલ લઈને વિશ્વાસઘાત કરી રાજસ્થાનના બે ડ્રાઈવરો ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ નવાગઢના બળદેવની ધાર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા 21 વર્ષીય રાજેશભાઇ ઉર્ફે આયુષ જીતેશભાઈ સંખેસરીયાએ પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ, તેઓ છેલ્લા આઠેક મહિનાથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. ગત તા. 23/03/2026ના રોજ તેમને દિલ્હીની ‘દર્શનલાલ બિહારીલાલ પ્રા.લી.’ કંપની તરફથી ઓર્ડર મળ્યો હતો કે, ભોજપરા ગામ પાસે આવેલી “ધનલક્ષ્મી ઓઈલ મિલ” માંથી સીંગતેલના 476 ડબ્બા ભરી અમદાવાદના શાંતેજ ખાતે મોકલવાના છે.
આ કામ માટે આયુષભાઈએ રાજકોટના યશભાઇ મુંધવા પાસેથી આઈસર ગાડી નંબર: ૠઉં-04-અઠ-9239 મંગાવી હતી. આ ગાડીમાં રાજસ્થાનના ડ્રાઈવર પંકજ બન્ના અને ક્લીનર સુરેશભાઈ મારફતે ગત તા. 24/03/2026ના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં ગાડી તેલના ડબ્બા ભરીને અમદાવાદ જવા રવાના થઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે ગાડી માલિક યશભાઈએ ડ્રાઈવરોને ફોન કર્યા, ત્યારે બંનેના મોબાઈલ સ્વીચ ઓફ આવ્યા હતા. ચિંતાતુર થયેલા ટ્રાન્સપોર્ટરે તપાસ કરતા જાણવા મળ્યું કે, અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ત્રાગડ ટોલનાકા પરથી આ ગાડી વહેલી સવારે 03:45 વાગ્યે પસાર થઈ હતી. જોકે, ત્યારબાદ ગાડી ક્યાં ગઈ તેની કોઈ ભાળ મળી નહોતી. ડ્રાઈવરોએ જે સ્થળે માલ ખાલી કરવાનો હતો ત્યાં પણ પહોંચ્યા નહોતા. આથી, ટ્રાન્સપોર્ટર આયુષભાઈને શંકા ગઈ કે બંને ડ્રાઈવરોએ અંગત આર્થિક લાભ મેળવવા માટે આયોજનપૂર્વક માલ અને ગાડી સગેવગે કરી નાખ્યા છે.
ગોંડલથી અમદાવાદ મોકલવામાં આવેલ સીંગતેલના 476 ડબ્બા જેની કિંમત રૂૂ. 13,13,774 તેમજ 15 લાખની આઈસર ગાડી નંબર ૠઉં-04-અઠ-9239 મળી કુલ રૂૂ. 28,13,774ની છેતરપીંડીની ફરિયાદ આયુષભાઈ સંખેસરીયાએ રાજસ્થાનના રહેવાસી ડ્રાઈવર પંકજ બન્ના અને સુરેશભાઈ વિરુદ્ધ ગુનાહિત વિશ્વાસઘાતની નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ડ્રાઈવરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે ટ્રાન્સપોર્ટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
