કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન વિરૂધ્ધ વધુ એક ફરિયાદં નોંધવામાં આવી છે. આ ઘટના તેમણે તેમની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં કરણપરા શેરી નં.13માં રહેતા મેઘાબેન હર્ષદભાઈ માંડલીયા (સોની)એ પોતાની ફરિયાદમાં પોતાના પતિ હર્ષદ માણેકલાલ માંડલીયા, કમલેશ હર્ષદભાઈ અને તેનો સાગ્રીત નિલેશ ઉર્ફે બાબુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનામાં મેઘાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા પતિ-દીકરા જેનીષના સાસરીયે આનંદનગર પહોંચી માથાકુટ કરી હતી અને જેથી જેનીષની સગાઈ તુટી ગઈ હતી. આ બાબતે પતિ સાથે અવારનવાર માથાકુટ થતી અને તેમને વાત કરી કે આપણે જેનીષને સમજાવી કે સગાઈ ભલે તુટી ગઈ હોય પણ તું આડુ અવડુ પગલું ભરતો નહીં તેમ કહેતા પતિએ સાથે આવવાની ના પાડી દીધી હતી અને ગાળો આપી બોલાચાલી કરી અને ઘરમાંથી કાઢી મુકી હતી.
ત્યારબાદ મેઘા પોતાના પિયર જતી રહી હતી. ત્યારબાદ તા.9નાં રોજ રાત્રિનાં 10 વાગ્યે પતિનો ફોન આવ્યો હતો અને તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લેજે અને ગાળો આપી હતી. તેમજ પતિ હર્ષદ માથાભારે હોય જેથી મેઘા અને તેના પિયરપક્ષના લોકો ત્યાંથી નીકળી સરકારી હોસ્પિટલ જામટાવર પાસે પહોંચ્યા હતાં ત્યારે ત્યાં હર્ષદના મિત્રએ બાઈક આડુ નાખી અને ગાડી ઉભી રખાવી તેમજ પતિ હર્ષદે છરી કાઢી ગાડીના બોનેટ પર ધુમ્બો માર્યો હતો. તેમજ છરીનો એક ઘા કાર પર માર્યો હતો અને મેઘાબેનના ભાઈને ધમકી આપી કહ્યું કે ગાડીનો કાચ ખોલ નહીંતર બધાને જાનથી મારી નાખી તેમજ જાહેરમાં ઝઘડો કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
