ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ હનુમાન ધાર પાછળની વાડીમાં પરપ્રાંતીય મહિલાની થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેના જ સગા પતિએ લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ગોંડલ પોલીસે ગુનો નોંધી હત્યારા પતિને ઝડપી કરી લીધો છે.
મૂળ મધ્યપ્રદેશનો એક આદિવાસી પરપ્રાંતીય પરિવાર છેલ્લા 8 દિવસથી વોરાકોટડા રોડ પર આવેલ ધીરુભાઈ ગોવિંદભાઇ રૈયાણીની વાડીએ મજૂરી કામ માટે આવ્યો હતો અને ત્યાં જ આવેલી ઓરડીમાં રહેતો હતો. મૃતક મહિલાનો પતિ ભકનભાઈ, ધીરુભાઈના નાના ભાઈ મનસુખભાઈ રૈયાણીની વાડીમાં પણ મજૂરી કામ કરતો હતો અને રાત્રે ત્યાં જ સૂઈ જતો હતો. જીવ બચાવવા માટે ગુંદલીબેન ઓરડીની બહાર ભાગ્યા હતા અને બાજુમાં જ આવેલી મનસુખભાઈ રૈયાણીની વાડી તરફ દોડ્યા હતા, પરંતુ આરોપીએ ત્યાં જઈને તેમને લાકડાના ધોકા વડે આડેધડ ફટકાર્યા હતા, જેના કારણે ગુંદલીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ અંગે ગોંડલ DYSP કે.જી. ઝાલાએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના ભાઈ રામસિંગ નાનિયા બામણિયા (ઉં.વ. 35, જાતે આદિવાસી, રહે. આંબાડેરી, મધ્યપ્રદેશ) એ રૂૂબરૂૂ આવીને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું કે, બનેવી ભકનભાઈએ તેની બહેન ગુંદલીબેન ભકનભાઈના ચારિત્ર્ય બાબતે શંકા રાખીને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી મોત નીપજાવ્યું છે. ગોંડલ બી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ગોંડલ બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી આ ગુનાના આરોપી પતિ ભકનભાઈ મોતીલાલભાઈ ભારેલા (રહે. એમપી) ને ઝડપી લીધો હતો.
ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ભકનભાઈ ભારેલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) (હત્યા), 115(2) (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) તથા જીપીએક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે. આ મામલે આગળની વધુ તપાસ ગોંડલ બી ડિવિઝન પી.આઈ.એસ.જી. ગઢવી ચલાવી રહ્યા છે.
