સાળી સાથેના આડા સંબંધમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કારાવાસ

વિંછીયા તાલુકાના દલડી ગામે રહેતી પરીણીતા તા. 22-5-22 રોજ ગુમ થઇ હતી. આ અંગે 31-5-22 ના રોજ વિંછીયા પોલીસ મથકે ગુમ થયાની નોંધ પણ થઇ…

વિંછીયા તાલુકાના દલડી ગામે રહેતી પરીણીતા તા. 22-5-22 રોજ ગુમ થઇ હતી. આ અંગે 31-5-22 ના રોજ વિંછીયા પોલીસ મથકે ગુમ થયાની નોંધ પણ થઇ હતી. ત્યારે દલડીની ગુમ થયેલ પરીણીતાની લાશ 44 દિવસ પછી ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની વીડમાંથી મળી આવી હતી. સાળી સાથે પ્રેમમાં આડખીલીરુપ બનતી પરીણીતાનું તેના પતિ એ જ મોબાઇલ ચાર્જના કેબલ વડે ગળેફાંસો આપી મોત નિપજાવ્યાનું ખુલતા નાની મોલડી પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં શુક્રવારે સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે આરોપી પતિને આજીવન કારાવાસની સજા ફટકારી ન્યાય કર્યો છે.

અનૈતિક સંબંધમાં પત્નીની હત્યા કરનાર પતિને સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ અંગે વધુ મળતી માહીતી મુજબ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસીયા ગામે રહેતા લખમણભાઇ ભીખાભાઇ જોગરાજીયાની પુત્રી રંજનના લગ્ન વિંછીયા તાલુકાના જ દલડી ગામે રહેતા રાજેશ ઓળકીયા સાથે થયા હતા. લગ્ન બાદ અવારનવાર સાસરે જતા રાજેશને સાળી ઇન્દુ સાથે આંખ મળી ગઇ હતી અને બંન્ને વચ્ચે પ્રેમના અંકુરો ફુટયા હતા. રંજન ગંભીર બિમારીથી પીડાતી હોય તેને પણ આ વાતની જાણ થઇ ગઇ હતી. આ દરમ્યાન રાજેશ એકવાર ઇન્દુને ભગાડીને પણ લઇ ગયો હતો. પરંતુ રાજેશ અને ઇન્દુના અનૈતિક સંબંધો રાજેશના સાસરી પક્ષવાળાને મંજુર ન હતા.

આથી ઇન્દુના પરિવારજનોએ ઇન્દુને તેની ફઇબાના ઘરે રહેવા મોકલી દીધી હતી અને તેની અન્ય સ્થળે સગાઇ પણ નક્કી કરાઇ હતી. આ દરમિયાન રાજેશે સાળી સાથેના પ્રેમમાં આડખીલીરુપ લાગતી પત્ની રંજનનું કાસળ કાઢવાનો પ્લાન ઘડયો હતો બાદમાં લાશને પથ્થર નીચે સંતાડી દીધી હતી. બાદમાં સાસરી પક્ષ સાથે રાજેશ પત્ની ગુમ થયાની પોલીસ મથકે અરજી કરવા પણ તા. 31-5-22ના રોજ ગયો હતો.

આ બનાવમાં બાદમાં રાજેશે જ પત્ની રંજનની હત્યા કરી હોવાનું ખુલ્યુ હતુ. આથી વિંછીયા પોલીસે તેની ધરપકડ કરી હતી આ અંગેનો કેસ શુક્રવારે સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ રાજભા રાઓલની દલીલો, દસ્તાવેજી અને મૌખીક પુરાવાના આધારે સેશન્સ જજ કે.આર.ઉપાધ્યાયે આરોપી પતિ રાજેશ ઓળકીયાને આજીવન કારાવાસની સજા ફટકારી ન્યાય કર્યો છે. આ ઉપરાંત આરોપીને 10 હજારનો દંડ કરાયો છે. જો તે દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સજા હુકમમાં જણાવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *