તરઘડીયા ગામે માવતરના ઘરે રહેતી પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ શાપરમાં રહેતા પતિ વિરૂૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.વધુ વિગતો મુજબ,રાજકોટના તરઘડીયા ગામે રહેતી 25 વર્ષીય ક્રિષ્નાબેન નામની પરિણીતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાપરમાં રહેતા પતિ વિજય કરશનભાઈ રાઠોડનું નામ આપી જણાવ્યું હતું કે, હાલ તે માવતરના ઘરે રહે છે.
ગઈ તા. 17/1/2022 ના રોજ જુના વાધણીયા ગામ ખાતે જસદણના ભાડલાના વતની વિજય કરશન રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્ર છે. તેણીના લગ્ન થયા બાદ પતિ વિજય સાથે શાપર રહેતી હતી. લગ્નના ત્રણ વર્ષના સમયગાળા સુધી પતિ સારી રીતે રાખતો હતો બાદમાં પતિ અવારનવાર કામ કરવા બાબતે તથા ઘર ખર્ચના પૈસા માંગે તો તે બાબતે ઝઘડાઓ કરી મારકૂટ કરતો હતો.પરંતુ લગ્નજીવન ટકાવવા માટે પરિણીતા કંઈ કહેતી ન હતી.અગાઉ પતિ શાપરમાં પત્નીને એકલા મૂકી અમદાવાદ કામ કરવા જાઉં છું તેમ કહી જતો રહ્યો હતો બાદમાં બે મહિના બાદ ઘરે આવ્યો હતો. તે સમયે કયાં ગયા હતા તેમ પૂછતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરી માર મારવા લાગ્યો હતો.
ગઇ તા.05-11-2024 ના પરિણીતાએ પતિ પાસે પોતાના સોનાના દાગીના માંગતા પતિએ ફરી ઝઘડો કરી મારમાર્યો હતો અને પતિએ કહ્યું હતું કે મારી પાસે દાગીના નથી તેમ કહી માર મારતા પરિણીતાએ માતાને ફોન કરતા તેઓ અહીં આવી દીકરીને તેડી ગયા હતા.ત્યારથી પરિણીતા અહીં માવતરના ઘરે તરઘડીયા રહેવા માટે આવી ગયા છે. બાદમાં પતિ દ્વારા સમાધાનના કોઈ પ્રયાસો કરવામાં ન આવતા અંતે પરિણીતાએ પતિ વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
