જેતપુરમાં પતિના હાથે પત્નીની હત્યા, બચાવવા વચ્ચે પડેલી પુત્રીની હત્યાનો પ્રયાસ

ભોજાદાર વિસ્તારમાં ગૃહકલેશના કારણે બનેલી ચોંકાવનારી ઘટના, આરોપીને સકંજામાં લેવા કવાયત જેતપુરના ભોજાદાર વિસ્તારમાં કૌટુંબિક કલેશના કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સાંજે…

ભોજાદાર વિસ્તારમાં ગૃહકલેશના કારણે બનેલી ચોંકાવનારી ઘટના, આરોપીને સકંજામાં લેવા કવાયત

જેતપુરના ભોજાદાર વિસ્તારમાં કૌટુંબિક કલેશના કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સાંજે એક સાવકા પિતાએ પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી હતી અને તેને બચાવવા વચ્ચે પડેલી પુત્રી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. જેતપુર સિટી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરીયાદી રીતુસિંગ તિવારીએ પોતાના સાવકા પિતા રાકેશસિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રીતુસિંગના પિતાના અવસાન બાદ તેની માતા રેખાબેને બે વર્ષ પહેલા રાકેશસિંગ સાથે લગ્ન કર્યા હતા. જોકે, રાકેશસિંગને તેની પત્ની રેખાબેન પોતાની પુત્રી રીતુસિંગના ઘરે જાય અથવા તેની સાથે સંબંધ રાખે તે પસંદ નહોતું.

શનિવારે સવારે રેખાબેન તેમની પુત્રી રીતુસિંગના ઘરે પૌત્રીઓને રમાડતા હતા ત્યારે આરોપી રાકેશસિંગ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે અગાઉ પણ ધમકી આપી હતી કે જો રેખાબેન પુત્રી સાથે સંબંધ રાખશે તો તે તેને મારી નાખશે. સાંજના સમયે જ્યારે રેખાબેન ઘર પાસેની દુકાને ગયા હતા, ત્યારે આરોપી રાકેશસિંગ ત્યાં આવ્યો અને ઝઘડો શરૂૂ કર્યો. ઉગ્ર બોલાચાલી બાદ, આરોપીએ પોતાના ખિસ્સામાંથી તીક્ષ્ણ કાતર કાઢી રેખાબેનના પેટ, સાથળ અને પીંડીના ભાગે ઘાતકી હુમલો કર્યો.

જ્યારે પુત્રી રીતુસિંગ પોતાની માતાને બચાવવા વચ્ચે પડી, ત્યારે આરોપી પિતાએ તેને પણ છાતી અને પેટના ભાગે કાતરનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રેખાબેનનું મોત નીપજ્યું હતું, જ્યારે રીતુસિંગ હાલ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેતપુર પોલીસે આરોપી રાકેશસિંગ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) (હત્યા) અને 118(2) હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *